પૃષ્ઠ:Anashakti Yog.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે જનાર્દન ! જેમના કુલધર્મનો ઉચ્છેદ થયો છે એવા મનુષ્યોનો અવશ્ય નરકમાં વાસ થાય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ. ૪૪.

અરેરે ! કેવું મહાપાપ કરવાને અમે તૈયાર થયા છીએ કે રાજ્યસુખને લોભે સ્વજનોને હણવા તત્પર થયા ! ૪૫.

ધૃતરાષ્ટ્રના શસ્ત્રધારી પુત્રો જો શસ્ત્ર વિનાના અને સામે ન થનારા મને રણમાં હણે તો તે મારે સારુ વધારે કલ્યાણકારક થાય. ૪૬.

संजय बोल्या :

શોકથી વ્યગ્રચિત્ત થયેલા અર્જુન રણમધ્યે આમ બોલી ધનુષબાણને પડતાં મૂકી રથની બેઠક પર બેસી ગયા. ૪૭.

ૐ તત્સત્

આમ શ્રીમદ્ભગવદ્ગીતારૂપી જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'અર્જુન-વિષાદ-યોગ' નામનો પહેલો અધ્યાય અત્રે પૂરો થાય છે.