પૃષ્ઠ:Anashakti Yog.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજી તરફથી બીજા અધ્યાયના ૪૯-૫૦ શ્લોકોમાં કર્મત્યાગનો આભાસ આવી જાય છે. ઊંડે વિચારતાં એમ નથી એમ ભગવાન હવે બતાવશે.

श्रीभगवान बोल्या:

હે પાપરહિત અર્જુન! હું પૂર્વે કહી ગયો છું કે આ લોકને વિશે બે પ્રકારની નિષ્ઠા હોય છે : એક તો જ્ઞાનયોગ વડે સાંખ્યોની અને કર્મયોગ વડે યોગીઓની. ૩.

કર્મનો [કેવળ] આરંભ ન કરવાથી મનુષ્ય નૈષ્કર્મ્ય અનુભવતો નથી અને કર્મના કેવળ બાહ્ય ત્યાગથી સિદ્ધિ કે મોક્ષ મેળવતો નથી. ૪.

નોંધ: નૈષ્કર્મ્ય એટલે મનથી, વાણીથી અને શરીરથી કર્મનું ન કરવાપણું. પણ આવી નિષ્કર્મતાનો અનુભવ કર્મ ન કરીને કોઈ નથી લઈ શકતું. ત્યારે એનો અનુભવ કેમ મળે એ હવે જોવાનું છે.

ખરેખર, એક ક્ષણભર પણ કર્મ કર્યા વિના કોઈ નથી રહી શકતું. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો જ પરવશ પડેલા પ્રત્યેક જણ પાસેથી કર્મ કરાવે છે. ૫.

૨૯