પૃષ્ઠ:Anashakti Yog.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-


ગીતાને હું જેમ સમજ્યો છું તેવી રીતે તેનું આચરણ કરવાનો મારો અને મારી સાથે રહેલા કેટલાક સાથીઓનો સતત પ્રયત્ન છે. ગીતા અમારે સારુ આધ્યાત્મિક નિદાનગ્રંથ[૧] છે. તદ્દન આચરણમાં નિષ્ફળતા રોજ આવે છે; પણ તે નિષ્ફળતા અમારા પ્રયત્ન છતાં છે. એ નિષ્ફળતામાં સફળતાનાં ઊગતાં કિરણોની ઝાંખી કરીએ છીએ. આ નાનકડો જનસમુદાય જે અર્થને અમલમાં મૂકવા પ્રયત્ન કરે છે તે અર્થ આ તરજુમામાં છે.

વળી સ્ત્રીઓ, વૈશ્ય તથા શુદ્ર જેવા, જેમને અક્ષરજ્ઞાન થોડું જ છે, જેમને મૂળ સંસ્કૃતમાં ગીતા સમજવાનો સમય નથી, ઇચ્છા નથી, પણ જેમને ગીતારૂપી ટેકાની આવશ્યકતા છે તેમને જ સારુ આ અનુવાદની કલ્પના છે. ગુજરાતી ભાષાનું મારું જ્ઞાન ઓછું હોવા છતાં તેની વાટે ગુજરાતીઓને મારી પાસે રહેલી જે કંઈ મૂડી હોય તે આપી જવાની મને હંમેશાં ભારે અભિલાષા રહેલી છે. હું એમ ઇચ્છું ખરો, કે અત્યારે ગંદા સાહિત્યનો ધોધ વહી રહ્યો

  1. નિદાન = મૂંઝવણનાં કારણો શોધતું શાસ્ત્ર. - કા.