પૃષ્ઠ:Anashakti Yog.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-

છે, તેવે સમયે હિન્દુ ધર્મમાં જે અદ્વિતીય ગ્રંથ ગણાય છે તેનો સરળ અનુવાદ ગુજરાતી પ્રજા પામે, ને તેમાંથી પેલા ધોધની સામે થવાની શક્તિ મેળવે.


આ અભિલાષામાં બીજા ગુજરાતી અનુવાદોની અવગણના નથી. તે બધાને સ્થાન ભલે હોય, - પણ તેમની પાછળ તે તે અનુવાદકો આચારરૂપી અનુભવનો દાવો કરતા હોય એવું મારી જાણમાં નથી. આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. આ કારણે હું એમ ઇચ્છું ખરો કે પ્રત્યેક ગુજરાતી ભાઈબહેન, જેમને ધર્મને આચારમાં મૂકવાની ઇચ્છા છે તેઓ, એ વાંચે, વિચારે ને તેમાંથી શક્તિ મેળવે.

આ અનુવાદની પાછળ મારા સાથીઓની મહેનત રહેલી છે. મારું સંસ્કૃતજ્ઞાન ઘણું અધૂરું હોવાને લીધે શબ્દાર્થ વિશે મને પૂરો વિશ્વાસ ન હોય તેથી તેટલા પૂરતો આ અનુવાદ વિનોબા, કાકા કાલેલકર, મહાદેવ દેસાઈ તથા કિશોરલાલ મશરૂવાળા જોઈ ગયા છે.