પૃષ્ઠ:Anashakti Yog.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેનો જ આત્મા એનો બંધુ છે જેણે પોતાને બળે પોતાની જાતને જીતી છે; જેણે જાતને જીતી નથી તે પોતા પ્રત્યે શત્રુની જેમ વર્તે છે. ૬.

જેણે પોતાનું મન જીત્યું છે ને જે સંપૂર્ણપણે શાન્ત થયો છે તેનો આત્મા ટાઢ-તડકો, સુખ-દુઃખ, તેમ જ માન-અપમાન વિશે એક સરખો રહે છે. ૭.

જ્ઞાન અને અનુભવથી જે તૃપ્ત થયો છે, જે અવિચળ છે, જે ઈન્દ્રિયજીત છે અને જેને માટી પથ્થર અને સુવર્ણ સરખાં છે એવો ઈશ્વરપરાયણ મનુષ્ય યોગી કહેવાય. ૮.

હિતેચ્છુ, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ, અળખામણો કે વહાલો, એ બધા પ્રત્યે તેમ જ સાધુ અને પાપી, બન્ને પ્રત્યે જે સમાન ભાવ રાખે છે તે યોગી શ્રેષ્ઠ છે. ૯.

[નોંધ: બન્ને પક્ષ વિશે સરખો જ ઉદાસીન કે બેદરકાર તે તટસ્થ. સામસામે લડનાર બન્ને પક્ષનું ભલું ચાહનાર તે મધ્યસ્થ. કા૦]

૧૯

ચિત્ત સ્થિર કરીને, વાસના અને સંગ્રહનો ત્યાગ કરીને, એકલો એકાન્તમાં રહીને યોગી નિરન્તર આત્માને પરમાત્માની સાથે જોડે. ૧૦.

૬૯