પૃષ્ઠ:Anashakti Yog.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ. જેણે મનના સંકલ્પો તજ્યા નથી તે કદી યોગી થઈ શકતો નથી. ૨.

યોગ સાધાનારને માટે કર્મ સાધન છે, જેણે તે સાધ્યો છે તેને માટે ઉપશમ એટલે વિરતિ, શાન્તિ એ જ સાધન છે. ૩.

નોંધ: જેની આત્મશુદ્ધિ થઈ છે, જેણે સમત્વ સાધેલ છે તેને આત્મદર્શન સહજ છે. આનો અર્થ એવો નથી કે યોગારૂઢે લોકસંગ્રહને સારુ પણ કર્મ કરવાનાં નથી રહેતાં. લોકસંગ્રહ વિના તે જીવી જ ન શકે. એટલે સેવા કર્મ કરવાં એ પણ તેને સહજ હોય છે. તે દેખાવને અર્થે કંઈ કરતો નથી. સરખાવો ૩-૪, અને ૫-૨.

જ્યારે માણસ ઇન્દ્રિયોના વિષયોમાં કે કર્મોમાં આસકત નથી થતો અને બધાં સંકલ્પિ તજે છે ત્યારે તે યોગરૂઢ કહેવાય છે. ૪.

આત્મા વડે મનુષ્ય આત્માનો ઉદ્ધાર કરે; તેની અધોગતિ ન કરે. આત્મા જ આત્માનો બંધુ છે; અને આત્મા જ આત્માનો શત્રુ છે. ૫.

૬૮