પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
અપરાધી
 

પૂછું, મારી અંજુડીનો કાગળ છે ? પીટ્યા શીદને મારી છોડીનો કાગળ સંતાડી રાખછ ? મારી છોકરી સુખમાં પડી છે ઈ રોયા, તારાથી જોયું જાતું નથી ! કાગળ દે ! કાગળ દે ! પણ પે’લા બે કાગળ તારા આવ્યા ઇ આવ્યા, પછી નહીં કાગળ કે નહીં પત૨. ન મળે તારા કાગળમાં કાંઈ ઠરઠેકાણું. હું તો ઘણુંય તારા કાગળ વાંચવા ને તને જવાબ લખવા સારુ અક્ષર શીખતી’તો. ડિપોટીસા’બની દીકરી કેવી દિયાળુ ! મને ગલઢી ઠઠનેય ભણાવતી’તી ! પણ પછી તો તારો કાગળ જ ન મળેને ! કેમ છે માડી ? જમાઈ સારો છે ને ? કેમ એકલી આવી ? કજિયો તો નથી થ્યો ને ?”

“મા !” અજવાળી ટગર ટગર જોઈ જ રહી, “કાગળ શેના ? જમાઈ ક્યાંનો ? તું આ શી વાત કરછ ?”

મા સ્તબ્ધ બની ગઈ. દીકરીએ નીચું જોયું. ચૂલામાં તાપનો પ્રકાશ વધ્યો ને માએ અજવાળીના દેહનું બારીક દર્શન કર્યું.

૨૬. કોનું ઘર?

“તું — તારા વર પાસે નો’તી ?”

ફાળભરી મા જ્યારે આ પૂછતી હતી ત્યારે એના કાનની ફાટેલી બંને બૂટો, આકોટા વગરની અડવી લબડતી હતી.

“માડી — વર નૈ — હું મુંબીમાં હતી.”

બોલતે બોલતે અજવાળીએ નવો સાડલે પોતાનાં બેઉ ડેબા ઢાંકી લીધાં, પણ એ ઢાંકી લે તે પૂર્વે તો માએ ભરેલાં ડેબાં નિહાળી લીધાં. ધૂંધવાતા ચૂલામાં એકાએક ભડકો થયો તેને અજવાળે દીકરીના મોં પરની થેથર અને કાળા પડેલા હોઠ પારખ્યા.

“અભાગણી ! મારા જેવી જ તારી દશા થઈ છે કે શું ? અરે ઠાકર ! અરે રામ ! લોકો વાતું કરતાં’તાં તે સાચી પડી ને શું ?”

માનો કોમળ હાથ અજવાળીના ખભા પર હતો, તે એકાએક ચમકી ઊઠ્યો. બહારની ખડકી ઊઘડતી હતી, ને ખડકી બહાર રસ્તા પર ગરમાગરમ શબ્દોની ટપાટપી બોલી રહી હતી એક અવાજ પોતાના ધણીનો હતો. બીજો અવાજ પાડોશણ કડવી કુંભારણનો હતો. ધણી કહેતો હતો : “જો રાંડ ખાળે ડૂચા દઈને મારા ઘરનું પાણી રોકે છે, ખાળે ડૂચા દેછ તે કરતાં મોંએ ડૂચા દેને !”

“ડૂચા તો તારે ઘરે દે, તારે ઘરે,” કડવી ડણકતી હતી, “ને તારા ઘરની ખાળું ઠેકાણે રાખતો જા. તારી છોકરીની વાતું મલકમાં થાય છે એની આડે જા ડૂચા દબાવવા.”

“બસ બેસ હવે, નવરી ! મારે વળી છોકરીબોકરી કેવી ! જેની હોય તેને કેવા જા !”

“હ-અં-ને ! છોકરી સોતી બાયડી કબૂલીને તો રૂપિયાની પોટલી બાંધી’તી: આજ બોલે છે, મારે છોકરી કેવી ! બાયડી મલકને ઊઠાં ભણાવવા નીકળી છે કે મારે તો કાંઈ જમાઈ મળ્યો છે ! કાંઈ છોકરીને રાખે છે ! જમા…ઈ ! મુંબી-અમદાવાદના પાતરવાડામાં કોણ જાણે કેટલાય જમાઈ કરતી તારી અંજુડી બેઠી હશે !”

એવા શબ્દગોળાની સામે ખડકીનાં કમાડ ધડાક ધડાક અવાજે બંધ કરીને અંજુનો