પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોનું ઘર ?
૯૯
 


ઓરમાયો બાપ અંદર આવ્યો. ચૂલા પાસે ઓરત બેઠી હતી, તેની સામે લાંબા હાથ કરીને તડાપીટ આદરી : “હવે કોઈ વાતે મારી બદનામી બંધ કરાવવી છે ? તારી છોકરી — તારો ઈ સાંઢડો — ઈ ક્યાં છે, કહે તો ખરી ! તારો જમાઈ કેમ હજી ક્યાંય જડતો નથી ? તારા પેટનાં પાપ મારે કપાળે કેમ જડી રહી છો ? મારે મલકનું સાંભળવું તે હવે કેટલુંક ?

“ધીરા પડો, પણ તમે ધીરા તો પડો !” ચૂલે બેઠેલી બાઈ રોટલો ઘડતી ઘડતી હાથ જોડીને બોલી.

એક સળવળાટ થયો. બાપે પછવાડે જોયું. ખૂણામાં અંજુ લપાઈને બેઠી છે. એની આંખોમાં ભય છે, રોષ છે, કાકલૂદી છે.

“ઓહોને ભૈ !” બાપે પાઘડીમાંથી બીડી ખેંચતે ખેંચતે કહ્યું, “આવી ગિયાં છો ને શું ? ક્યારે મારું આંગણું પાવન કર્યું ? કિયા મોટા કુળની વ’વારુ આ કંકુનાં પગલાં વેરીને મારાં પાતક ધોવે છે ? પૂછવાની રજા છે ને, રાયજાદી ?”

અજવાળીએ થોડી વાર બાપની સામે જોયું ને થોડી વાર ધરતી સામે.

“આહા ને !” વળગણી પર અજવાળીની બે શહેરી સાડી સુકાતી હતી તે જોતાં જ બાપે બીજો અહોભાવ ઉચ્ચાર્યો, “આ તો કોઈ મોટા ખોરડાની કુળવંતી ઊતરી આવી છે ને શું ? વાહ ઓઢણાં વાહ ! પેટી ને પટારા તો હજી વાંહે હાલ્યા આવતાં હશે, ખરું ને ?”

અજવાળી ભીંતના ખૂણામાં શક્ય હતું તેટલું સંકોડાઈ ગઈ.

માએ ધણીને કહ્યું : “તમે મૂંઝવો છો શીદને ? છોડી વીશ ગાઉનો પલ્લો કરીને આવી છે — થાકી ગઈ છે.”

“પલ્લો કરીને ? શા સાટુ, ભા ? અડીખમ સાસરું મળ્યું છે ને વે’લડી ન જોડાવી ? વઢિયારા બળદની જોડવ જોતરીને જમાઈરાજ મૂકવાય ન આવ્યા ? અમારા ગરીબ ઘરથી શરમાય છે, કે શું છે, તે આટલે મહિનેય મોઢું દેખાડતા નથી ?”

“પટલ, અરે પટલ,” મા રગરગવા લાગી, “તમે થોડી ઘડી તો છોકરીને શ્વાસ હેઠો મેલવા દો. તમે કાંઈ સમજતા નથી. છોકરી મંબીથી આવે છે. એની કાયાની કેવી દશા છે ! સાનમાં સમજોને, પટલ ! એને દલાસાની જરૂર છે.”

“હં હં, તમેં એમ ચોખું કહી નાખોને ! બે’નબા મંબી હતાં એટલે તો સમજાયું કે એકલાં એકલાં જ પાછાં નથી આવ્યાં. ત્યારે તો કોઠીનું કાણું જરા મોટું કરવું જોશે. ખેતર જરા વધુ ખેડવું જોશે. ભાણાનું પેટ ભરવા સારુ મારે મારાં કાંડાં નિચોવી નાખવાં પડશે. હે-હે-હે-હે, વધામણી ! મોટી વધામણી !”

એમ બોલીને એણે બીડી ફૂંકવા માંડી. અજવાળીના મન પર પિતાની મશ્કરીનું કરવત ફરી રહ્યું. અજવાળીને એની માએ કહ્યું : “જા બેટા, નીરણની ઓરડીમાં જઈને બેસ.”

“ક્યાં જઈને ?” કુંભારે મોંમાંથી બીડી કાઢી લઈને ત્રાડ મારી. “ખડકીની બા’ર જઈને બેસ, બા’ર. આંહીં મારા ખોરડામાં એના ભવાડા નહીં સંઘરાય.”

“અરે, અરે, જરી સમતા —”

“બસ, બેસ, સમતાવાળી !” એમ કહેતો પુરુષ અજવાળી તરફ વળ્યો : “ઊઠ છોકરી, ખડકીમાંથી બા’ર નીકળ, આંહીં તારાં કરતૂકને સંઘરવા મારું ખોરડું ખાલી નથી.”

“ઊઠીશ મા, બચા, બેઠીરે’ તું તારે.” માએ રોટલો ઉખેડતાં ઉખેડતાં કહ્યું.