પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
અપરાધી
 

“નહીં ઊઠે ને જાશે ક્યાં ? મારું ખોરડું —” એમ કહેતો પુરુષ જેવો અજવાળીનો હાથ પકડવા ગયો, તેવી જ મા ચૂલેથી હાથમાં તાવેથો હતો તે હેઠો મૂકીને ઊભી થઈ. આવીને એ દીકરીની અને ધણીની વચ્ચે ઊભી થઈ. એની આંખોમાંથી રગરગાટ અને કાકલૂદી ચાલ્યાં ગયાં હતાં. ચૂલામાં ઝગતો હતો તેવો જ અગ્નિ એનાં નેત્રોમાં પ્રજ્વળી ઊઠ્યો. એણે પૂછ્યું : “કાઢી મૂકવી છે ? ઘરમાંથી ? કોનું ઘર ? મારા બાપનું, એક કરતાં એક પણ જણશ છે તારી આ ઘરમાં ?”

“તમામ મારી છે.”

“કોણે કહ્યું ?”

“કાયદે.”

“ચૂલામાં નાખ તારા કાયદાને. મારા બાપે જનમારો આખો તૂટી મરીને સાચવેલું આ ઘર, એમાં તને કોણે આવવા દીધો ?”

“તારે બાપે જ તારી ને એની બેઆબરૂ ઢાંકવા મને રાખ્યો. કાંઈ દાન નો’તું કર્યું મને, ડોકરી !”

“જાણું છું. હું ફસાઈ ગઈ’તી. મારી છોકરીની જે દશા આજ છે તે જ મારી હતી. બાપ મરતો’તો, બાપનો કોઈ બીજો ઉપાય નો’તો. પણ તેં શું ભલાઈ કરી’તી તે દી ? તારે તો નકટાને નાક નો’તું ને તારે તો બાયડી ભેળા પૈસા જોતા’તા. મારે મરતે બાપે ઓસીકા હેઠથી કોથળી કાઢીને એનાં લોહી નિચોવીને કામેલા રોકડા ત્રણસો તને કાઢી દીધા. તયેં તો તું મારો ધણી બનવા કબૂલ થયો. મરતા બાપને તેં નો’તું કહ્યું, કુંભાર ? — નો’તો કોલ દીધો ? — કે તમારી દીકરી ને એના પેટના પોટાને હું મરીશ ત્યાં લગી પાળીશ ? નો’તું કહ્યું, હેં રૂપિયાના સગા ? ને આજ હવે મારી દીકરીને તે કાઢી મેલીશ ઘરબા’ર ? કાઢ તો જોઉં ? હમણાં મારાં આંતરડાં તારે ગળે નહીં પે’રાવી દઉં ?”

“રાખી મૂકજે, સંઘરી મૂકજે તારી દીકરીને.” એમ કહેતો કુંભાર ઘર બહાર ચાલ્યો. પગરખાં પહેરતો બબડતો ગયો : “મલક જાણશે, અધરાત મોર્ય, કે છોકરી કમાણી કરીને ઘેર આવી છે… હરામના હમેલ લઈને આવી છે : હમણાં જ ફુલેસને જાણ થઈ જાશે, કે મા-દીકરીએ હમેલ પાડી નાખવાનો ત્રાગડો રચ્યો છે. હમણાં જ તેડું આવશે ડિપોટીસાબ શિવરાજસિંગજીનું.”

“ને કહી આવજે,” માએ કળકળતે સ્વરે એને બૂમ પાડી, “કે ભેળી મારી ઠાઠડી પણ બાંધીને લેતા આવે. હું બેઠે મારી અંજુડીને કોઈ નહીં લઈ જઈ શકે.”

ખડકી બંધ થઈ, ને અજવાળીએ કહ્યું : “મા, લે હું વહી જઉં.”

૨૭. બાળક રડ્યું

“મા,”અજવાળીએ કહ્યું ત્યારે એના મોં પર અંધારાં જંગલો છવાયાં, “લે હું જ ચાલી જાઉં. ફોગટનો ઘરમાં કળો (કલહ) ગરશે.”

“ના રે માડી, નથી જાવું. ઘર એના બાપનું નથી, મારા બાપનું છે. કાયદાનો ડર દેખાડનાર કોણ છે ? પેટની દીકરીને ઘરમાંથી કઢાવી મૂકે એવો વળી કિયો કાયદો છે ? સળગાવી મૂકે એના કાયદા ! મા-દીકરીના સંબંધ કરતાં કાયદો વધુ બળુકો ? હાલ બેટા,