પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
અપરાધી
 


બાળકના રડતા મોં પર અજવાળીનો હાથ આપોઆપ ચંપાયો. થોડી વાર ! થોડી જ વાર ! મારો બાપ આવે છે. આ બારણા પાસે થઈને નીકળ્યો. આ એના જોડા ચૂપ થયા. મારા બારણા સામે થંભ્યો જણાય છે. કાન માંડીને બાતમી લેતો જણાય છે. થોડી વાર : ઘડીભર ચૂપ-ચૂપ-ચૂપ-ચૂપ : હાથ વધુ ને વધુ ચંપાતો ગયો. બાળકનું મોં ચૂપ રહી ગયું. એક ચોંકાર પણ ન નીકળ્યો. બાપનાં રાઠોડી પગરખાં ફરી વાર ઊપડ્યાં. ડાંગના ધબકારા ફરી એક વાર ચાલુ થયા. અજવાળીએ કેટલો આનંદ અનુભવ્યો ! થોડી વાર : હવે તો જરીક જ વાર : બાપ અંદરના ઓરડામાં પહોંચી ગયો છે. ડાહ્યુંડમરુ બનીને બાળક ચૂપ રહ્યું છે. હવે બોલો ! બોલો બાળા ! હવે તો એ શત્રુના કાન સાંભળી શકશે નહીં, ફરી વાર વરસાદ ચાલુ થયો છે. બાળકના રુદનમાં ભરેલું સંગીત સાંભળવા મા આતુર બની છે. એણે પોતાનો હાથ બાળકના મોં પરથી ઉઠાવી લીધો. બાળક રડ્યું નહીં. એણે બાળકને હલાવ્યું, હડબડાવ્યું. બાળકના શરીરે જરાય હુંકારો આપ્યો નહીં. એણે પોતાનો હાથ બાળકના શ્વાસોચ્છવાસની હવા પરખવા માટે ઊંધો ધર્યો. શ્વાસ ત્યાંથી નીકળ્યો નહીં. બાળકનું નાનું શરીર ટાઢુંબોળ પડી ગયું હતું.

એક જ ઘડીનાં હાહાકાર પછી બાળકની માના મનમાં આનંદનો ઉછાળો આવ્યો. સારું થયું. પ્રભાતે આ કલંક લઈને હું ક્યાં જાત ? ઊગરી ગઈ. હવે આને ઠેકાણે પાડી દઉં.

એક વાર, બે વાર, ક્ષણવાર અજવાળીએ ખાટલેથી ઊઠવા કોશિશ કરી, પટકાઈ પટકાઈને પાછી પડી. શરીરમાંથી રક્ત ગયું હતું. ઠંડો પવન વાતો હતો. તાકાત હારેલીને પથારીમાં જ પડ્યા રહેવું નિર્માયું.

ઘડી વાર પર બોલતા ને હાથપગ હલાવતા બાળકને એણે લોચાની પેઠે પકડ્યું. પોતાની પથારી હેઠળ ઘાસના પોલમાં ઘાલી દીધું. બાળકના શબ પર એને થોડી વાર ઊંઘ આવી ગઈ. એની આંખો ઊઘડી ત્યારે પરોઢ પડ્યું હતું.

શેરીએ શેરીએથી વાવણિયાં ચાલ્યાં જતાં હોવાના અવાજો ઊઠતા હતા. માળે, માળેથી પંખીડાં ઊડતાં હતાં. પ્રભાતના એકાદ-બે પૂળા નીરણ માટે ગાય ફરડકારા બોલાવીને ઉઘરાણી કરી રહી હતી. ગાયને નીરણ કરવા ઉઠેલી મા અજવાળીને ઓરડે ગઈ; પૂછ્યું : “કેમ છે, બચા ?”

“હવે ઠીક થઈ ગયું મા, હવે જરીકે પીડા થતી નથી. ઈ તો મને પેચુટીનો દુખાવો હશે — બાકી કાંઈ નો’તું.”

પોતે પ્રસૂતિની અવસ્થાને છુપાવી રાખવા જોર કરીને ખાટલામાં બેઠી થઈ. માએ એના બરડામાં હાથ મૂક્યો. એ હાથ ફરતો હતો ત્યારે અજવાળીને પણ યાદ આવતું હતું કે હજુ થોડી જ વાર પર પોતેય આવા સ્પર્શનું સુખ લીધું હતું.

“લે બેટા,” માએ કહ્યું, “થોડી વાર ઊઠ, ઊભી થા, તો હું તારો ખાટલો ખંખેરી દઉં. લે ખડ સરખું કરી દઉં.”

“ના, મા, આમ જ ઠીક છે. મને નીંદર આવે છે. સૂવા દે. તું તારે જા, તારું કામ કર.”

ભયભીત અજવાળીએ માને માંડ માંડ કરીને વળાવી દીધી ને પછી પોતે વિચારમાં પડી. આખો દિવસ તો અહીં સૂતે સૂતે જ ખેંચી નાખવો પડશે. વળતી રાત આવવા દે. ત્યાં સુધીમાં વિસામો પણ જડી રહેશે. રાતે હું આને ઠેકાણાસર કરી નાખીશ. ને પછી છૂટી ! છૂટી ! છૂટી ! પછી પાછી હું મુંબઈ ચાલી જઈશ… ના, પછી તો હું માની જોડે