પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળક રડ્યું
૧૦૩
 


રહીશ. ના, ના, શિવરાજસા’બ ક્યાંક મને ભાળી જશે છે તો શરમિંદા બનશે કોને ખબર, મને ક્યાંક કઢાવી મૂકશે, માટે આંહીં નથી રહેવું, મુંબઈ, ચાલી જઈશ, ને ત્યાં પરણી લઈશ, પછી મારે માથે કશુંય કલંક નહીં હોય ખરુંને, ને એટલે મને પરણવાવાળો તો કોઈક સારો જુવાનડો જ મળી જશે. મજા થઈ. બસ, હવે દિવસ પૂરી થાય એટલી જ વાર છે. ઉઠવું જ નથી, ઊંઘવાનો જ ડોળ કરી છાનીમાની પડી રહીશ.

આખો દિવસ પડોશમાં ચણભણાટો થતા રહ્યા : ઓલી સાંઢડી પાછી આવી લાગે છે. ક્યાંથી ફાટી નિકળી ?, કોણ મેલી ગયું ? ઘરમાં કેમ ગરી રહી છે ? બાપે મારપીટ કરી લાગે છે. બીજુ તો કશું નથી ને ? સરત રાખજો સૌ ! શીરાની સુગંધ લેવા તૈયાર રે’જો સૌ બાઈયું ! એનો બાપ જ બૂમબરાડા પાડતો નીકળ્યો’તો ને ! કે મારા પેટની છોકરી હોય તો ભોંમાં જ ભંડારી દઉં : કાયદો મારા લાભનો છે, વકીલને પૂછીને ખાતરી કરી લીધી છે. બાયડીનું તમામ ધન, તમામ સ્થાવર જંગમ મિલકત પરણ્યા પછી ધણીની જ ઠરે છે. મને શેની ડર દેખાડે છે ? માને ને છોકરીને બેયને ઢીંઢાંમાં ધોકલા મારીને કાઢી મૂકી શકું છું. હું પરણ્યો પુરુષ છું. ખબર છે ?

આવી આવી લોકવાણી આડોશીપાડોશીઓને એકઠા થવાનું બહાનું આપી રહી હતી. છ-છ મહિનાના અબોલા રાખી બેઠેલાં પાડોશીઓ પણ આ અંજુડીની વાત ઉપર પાછા કોઈ ન જાણે તેવી આસાનીથી મનાઈ ગયાં ને પછી તો સાંબેલું, ધોકો અથવા ઢેખાળો લેવાને મસે સૌ પાડોશણો અંજુડીની મા પાસે જઈ આવી. “અંજુડી ઊંઘી ગઈ છે.” એવો જવાબ મેળવીને પ્રત્યેક પાડોશણ પાછી ફરી.

આખો દિવસ વરાપ રહ્યો. કૂણી કૂણી કૂંપળો જેવો તડકો નીકળ્યો. સૃષ્ટિના અણુએ અણુએ માર્દવ ભરાયું.

પણ અજવાળીએ મૃદુ ભાવોના ધૂપછાંયાને દિલમાં દાખલ થવા ન દીધા. એ ચોરની મનોદશામાં પડી રહી. બાળક એને પોતાને જાણીબૂજીને ન મારવું પડ્યું. ભાગ્યના સંકેતથી જ એ મરી ગયું. બાપ પણ બરોબર ટાણાસર ઘરમાં દાખલ થયો. બાપને કાને બાળકની વાત છતી ન થઈ જાય એ બીકે જ મારાથી મોં માથે હાથ દેવાઈ ગયો ! બીજું શું થાય ? આવા આવા ટેકા મૂકીને મનને રાત સુધી ખેંચ્યું. અંધારે અંધારે ઘેરઘેર દોવાતી ગાયો-ભેંસોના દૂધની શેડ્યો પીતળની તાંબડીમાં રણકારા કરતી હતી. પડી પડી અજવાળી જાણે એ દોવાતાં પશુઓની પાસે ઊભેલાં નાનાં પાડ-વાછરુનાં ભૂખ્યાં મોઢાં નિહાળતી હતી. અને એનું પોતાનું બાળક એની પથારીના બોજા તળે ચેપાઈને પડ્યું હતું.

“કાંઈ ફિકર નહીં. ઈશ્વરની એ મરજી હશે. હું છૂટી ગઈ.” — એ અવાજે બીજા સૂરોને દબાવી દીધા.

રાત પડી. દીવા થયા. રાતનો પહેલો પ્રહર ગયો. દીવા લાગ્યા બુઝાવા. શેરીઓ સૂનકાર થવા માંડી. બાપ પણ પાછો આવીને સૂતો. માની આંખ પણ મળી ગઈ. તે વખતે અજવાળી ઊઠી. પથારી હેઠળથી મૂએલું બાળક બહાર કાઢ્યું. એને પોતાની સાડીમાં લપેટ્યું. ઓચિંતો એનો હાથ સાડીના એક ખૂણા પર ગયો. કાંઈક બરછટ લાગ્યું. પોતે સમજી ગઈ : એ તો મુંબઈ મહિલાશ્રમવાળી સાડી : છેડે નામ અજવાળી ચોડેલું હતું. કોઈક ઓળખી પાડે તો ?

ખૂણો ફાડીને કટકો ત્યાં નાખી દીધો. ને પછી પોતે જોડા પણ પહેર્યા વિના બહાર નીકળી. તે વખતે રાતનો એક વાગ્યો હશે.