પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
અપરાધી
 

શુષ્ક ! વેદિયો ! કુંવારો ખરો ને !

“જેવી મરજી.” કહીને શિરસ્તેદાર ગયા. શિવરાજનું હૃદય જાણે કોઈ અગ્નિજ્વાલામાંથી ઊગર્યું : ઓ પ્રભુ ! ગઈ કાલની મારી પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરવો પડે. મારી જાહેર કર્તવ્યભક્તિ અને અંગત હિતબુદ્ધિ વચ્ચે નકામી અથડામણ ઊભી નહીં થાય. એ બાપડીને પ્રભુ બચાવી લે એ જ મારી તો પ્રાર્થના છે. બાકી તો જેવાં જેના તકદીર ! મારા જ દોષિત હાથે મારે એની બેહાલી કરવી ન પડી. વળી, મારો ન્યાયધર્મ પણ ચૂકવો ન પડ્યો : વાહ પ્રભુ ! કેવી તારી કૃપા !

૩૧. દયા આવે છે

“કોઈ બાઈ મળવા આવી છે.”

“કોણ છે ?”

“અંજુડીની મા છું, એમ કહે છે. મારી છોકરીને કેદમાં નાખી છે તેને માટે અરજ કરવા આવી છું એમ કહે છે.”

“એમ મળવા અવાય કે ?”

“મેં તો સાહેબ, એને ઘણું સમજાવ્યું કે સાહેબ પાસે આવી વાતો કરવા અવાય જ નહીં. પણ એ તો કહે છે કે મારી અંજુડીનું નામ પડશે ત્યાં જ સાહેબ મને બોલાવશે.”

પ્રભાતની તડકીમાં લાઈબ્રેરીની ખુરશી પર બેઠેલા શિવરાજે મનોભાવ છુપાવ્યો અને ધર્મસંકટ અનુભવ્યું.

“ને કહે છે કે મને સરસ્વતીબહેને મોકલી છે.” પટાવાળાએ ઉમેર્યું.

તોપણ શિવરાજે જવાબ ન વાળ્યો.

“સાહેબ, લંગડાતી લંગડાતી ઠેઠ કાંપને ગામડેથી આવી લાગે છે. કહો તો — જે કહો તે જણાવી દઉં.”

નોકરને જવાબ વાળતાં પહેલાં શિવરાજ અકળાયો ; પછી કહ્યું : “આવવા દે.”

અજવાળીની માએ અંદર પગ મૂકતાં જ શિવરાજે ગળામાં રુઆબ રાખીને કહ્યું : “આ રીત સારી ન કહેવાય, બાઈ, આ તમે કાયદા વિરુદ્ધ કરો છો.”

“ઈ તો મને ખબર છે, બાપા ! હું કાંઈ અણસમજુ નથી.” અજવાળીની મા આંસુડાં લૂછતી લૂછતી ને કંપતી કંપતી કહેવા લાગી. “પણ બાપુ જીવતા હતા ને તયેં કાંપમાં બાપુ થાણદાર હતા તે ટાણે મારે આ અંજુડીના બાપની સાટુ બે-ત્રણ વાર બાપા પાસે જાવું પડેલું; ઈણે કેદીય ના ન’તી પાડી. કોઈની છોકરી આડે માર્ગે વળી ગઈ હોય, કોઈની બાયડી ધણીની મારપીટથી ભાગીને બાપાને શરણે દોડી ગઈ હોય, તો બાપા અચૂક આશરો આપતા. મને તો લોકોએ કહ્યું, કે બાપાના જેવું જ ગરીબની દાઝ રાખનાર તમારું — ઈમના દીકરાનું — હૈયું છે. ને વળી કાલ સાંજે સરસ્વતીબેન રસ્તે મળ્યાં. મને અગશર લગતાં શીખવાડતાંને ભાળ્યું, ઈ બોન. ઈની પાસે મારાથી મૂઈથી રોઈ પડાણું. ને ઈ તો આખી વાત સાંભળીને કે, કે ડોશલી, બસ, તું હાલ ને હાલ ઘડી શિવરાજસા’બ પાસે જા — છોટાસા’બ પાસે જા — ને હું પણ સવારે આવી પોગીશ. એટલે મેં આ હરમત કરી બાપા, કે ઓલ્યા કાગળ જે હું તમ પાસે વંચાવી જાતીને, ઈ તો કોઈક બનાવટી કાગળ હતા. અંજુડીને તો બચાડીને