લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વકીલાતને પંથે
 

સુજાનગઢના રાજાનો નવો કુમાર બનાવટી હોવાનું પાકું બનેલું દફતર પણ દેવનારાયણના ખાતરીના બોલ પરથી રદ થયું હતું.

ઇન્સાફની છેલ્લી અપીલ દરબાર પાસે આવતી, અને દરબારનો ન્યાય દેવનારાયણસિંહની જીભને ટેરવે હતો. ‘ન્યાય તો છેવટે કારભારીગાહેબ તોળશે’ એવી પાકી ખાતરીએ એંશી ગામની વસ્તીને ભયમુક્ત કરી હતી.

ને દેવનારાયણસિંહે વિકટમાં વિકટ મુકદ્દમાઓનો ઇન્સાફ રાત્રિએ, જગત સૂઈ ગયા પછી, પોતાના એ જૂના મેજ પર લખ્યો હતો. એમના પ્રત્યેક ચુકાદાને મથાળે અક્કેક નાનો શબ્દ લખાઈને પછી છેકાયો જ હોય, એ શિરસ્તેદારનો કાયમી અનુભવ હતો. એ જાડા છેકાની નીચે શું હતું ? કયો શબ્દ હતો ? કોઈ કળી નહોતું શક્યું. પણ દેવનારાયણસિંહે પોતે તો એકાદ-બે વાર એ છેકેલા નામના મંગળાચરણ વગર ભૂલથી પચીસ પાનાં ઘસડીને લખેલા ચુકાદા પણ ફાડી નાખીને નવેસર લખ્યા હતા. ને એવા નવેસર લખાયેલા ફેંસલાઓનું વલણ જ પલટી જતું, એવી એક વહેમીલી માન્યતા આ વૃદ્ધને વળગી ગઈ હતી.

એક વર્ષની વયથી લઈ શિવરાજને સત્તર વર્ષની જોબન વયે પહોંચાડવામાં દેવનારાયણસિંહને સાચી સહાય બે જણાની હતી — એક ઘરની વ્યવસ્થા કરનાર ખવાસ માલુજીની, ને બીજી ડેલીએ બેઠે બેઠે બુઢ્‌ઢા બનેલા ચાઉસની. ચોથું કોઈ સાથી આ બંગલામાં હતું નહીં.

એવા એકાન્તને ખોળે માલુજીએ બાપ-દીકરાને હાથ વીંછળાવ્યા ને થાળીઓ પીરસી.

“મુરબ્બો ખાશો ?” પિતાએ પુત્રને માત્ર આટલું જ એક વાર પૂછ્યું. પુત્રને જવાબ આપવાની જરૂર નહોતી.

માલુજીએ તરત પૂછ્યું : “પેટ સાફ છે કે ? નીકર અત્યારે નથી આપવો મુરબ્બો.”

“હ-હ-હ-હ !” દેવનારાયણસિંહે મુક્ત કંઠે પ્રેમલ હાસ્ય કર્યું. માલુજીએ મુરબ્બાનું કચોળું શિવરાજ પાસે મૂક્યું.

“આપને આપું ?” માલુજીએ પિતાને પૂછ્યું.

“તો નહીં ! અમસ્તો શું મેં યાદ કર્યો હશે મુરબ્બો !”

“સીધું તો કોઈ દી નહીં માગો ને !”

“કોકને નામે મળતું હોય ત્યાં સુધી શા માટે સીધો તમારો પાડ લેવો ! — “હ-હ-હ-હ !” એમણે ફરી દાંત કાઢ્યા.

“કપાળ મારું ! મારે હાથે તો જશ જ નૈ ને !” કહી માલુજી દૂધના કટોરા ભરવા ગયો.

૩. વકીલાતને પંથે

વાળુ કરીને પછી શિવરાજ પિતાની પાસે બેસતાં ડરતો હતો. હમણાં કંઈક પૂછશે, શું બન્યું હતું તેની વાત કાઢશે — એવો શિવરાજને ફડકો હતો. પણ માલુજીએ જ શિવરાજને સૂવા જતો અટકાવ્યો. “ચાલો, બાપુ પાસે બેસો : બેઠા વિના ન ચાલે.” એવું કહીને માલુજી એને હાથ ઝાલીને લઈ ગયો.

સત્તર વર્ષનો કસરતી શિવરાજ માલુજીના વૃદ્ધ જર્જરિત પંજામાં પકડેલું પોતાનું લોખંડી કાંડુ જરીકે હલાવ્યા વિના ચાલ્યો આવ્યો. માલુજીને શિવરાજ પોતાની ‘મા’ ગણતો