પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
અપરાધી
 


એ પ્રભાતે ગરીબડો બનીને જેલની ઓફિસમાં ઊભો હતો. ઓફિસના પાછલા બારણા પર એની બૈરી ને એનાં ચાર છોકરાં ઊભાં ઊભાં રુદન કરતાં હતાં. ફ્રોક પહેરીને ઊભેલી પત્ની પોતાના કંઠમાં પડેલા સોનાના વધસ્તંભને ચૂમતી ચૂમતી અશ્રપૂર્ણ નેત્રે ધા નાખતી હતી : “જિસસ ! મર્શીફુલ લોર્ડ ! સેવ માય હસબંડ ! માય ઇનોસંટ હસબંડ ! દયાળુ પ્રભુ ઈસુ ! મારા નિર્દોષ સ્વામીને બચાવી લેજે !”

શિવરાજને જોતાં જ એ ધસી આવી : “મર્સીફુલ સર, યોર એક્સેલન્સી ! મારો આલ્બર્ટ આવું કદાપિ ન કરે. એણે મને લગ્ન વખતે વચન આપેલું, એ કદી વિશ્વાસઘાત ન કરે — એ દારૂ પીએ છે, જુગાર પણ રમે છે, પણ વિશ્વાસઘાત એ ન કરે. મને કોલ આપેલો છે. લગ્નવેળાનો કોલ ! તમે સમજી શકો છો, દયાળુ સાહેબ, કે બધા કોલ તોડાય, લગ્નના કોલ ન તોડાય.”

એટલું બોલીને મા ને છોકરાં શિવરાજને પગે પડી ગયાં. જેલર ઊંધું ઘાલીને ઊભો રહ્યો. “ગાર્ડ ટંચન !” કરીને સલામી આપી ઊભેલા પહેરેગીરોનાં મોં પણ કાળાં મેશ હતાં. કાંપની જેલ પર આ પહેલવહેલું કલંક હતું.

“કહાં હૈ વો દો પહેરેવાલે ?” શિવરાજે તીણા હાકમી સૂરે હવાલદારને પૂછ્યું.

એ બેઉને હાજર કરવામાં આવ્યા. એમના કમરપટા ખૂંચવાઈ ગયા હતા. તાજેતરની કોઈ આકરી સતામણીનાં નિશાન એમના દીદારમાં દેખાઈ આવતાં હતાં.

“ઓ બાબાજાન !” એવી કોઈ આક્રંદભરી ચીસ થોડે દૂરથી સંભળાઈ અને ચોંકેલા શિવરાજે તે તરફ જોયું.

એક ઇજારધારી, ને એક ધોળું હિન્દુ વસ્ત્ર પહેરેલી એવી બે ઓરતો થોડે આઘે ઊભી હતી, તેમની આંગળીએ બચ્ચા હતાં. ઇજારધારી ઓરતે મોં ઢાંકેલું હતું. સફેદ પોશાકધારી હિન્દુ ઓરતનું ઉઘાડું મોં દાખવતું હતું કે પોતે એક સિત્તેર વર્ષની બૂઢી છે. બંનેએ શિવરાજ તરફ હાથ જોડ્યા.

“બાબાજાન ! મેરે બાબા !” એમ બોલતી નાની મુસ્લિમ છોકરી પેલા બે સસ્પેન્ડ પહેરેગીરો પૈકીના એક તરફ પુકારીને માના હાથમાંથી છૂટી ધસી આવવા મથતી હતી. ડોશી પણ એક દીન બાળકને પકડી રાખી ઊભી હતી.

“કૌન હૈ યે ?” શિવરાજે પૂછ્યું.

“સા’બ, યે દો કન્સ્ટેબલકે ઘરકે લોગ હૈં.” હવાલદારે જવાબ વાળ્યો.

“બચ્ચોંકો આને દો ઈધર.”

“ધે વિલ મેક એ નીડલેસ રો, સર !” (એ વેજા આંહીં નકામી કકળાટ કરી મૂકશે.) આસિસ્ટન્ટ પોલીસ-ઉપરીને આ તમાશો ન ગમ્યો.

છોકરાં — બેય કોન્સ્ટેબલોનાં ને જેલરનાં — નજીક આવ્યાં. શિવરાજે તેમને પંપાળ્યાં ને ગજવામાંથી એક રૂપિયો કાઢીને હવાલદારને કહ્યું : “બચ્ચેકો ખાના ઔર ખિલૌના મંગવા દેના.”

“ત્યારે હવે શું કરવું છે, મિસ્તર સ્કોટ ?” શિવરાજે પૂછ્યું.

“આપની પાસે મેં માગણી કરી છે.”

“તમે તમારી તપાસમાં બહુ વધુ પડતા આગળ નીકળી પડ્યા છો, મિ. સ્કોટ ! તમે અવળા જ માર્ગે છો.”

“સાહેબ ! હું વોરંટ માગું છું અને આ જેલર માટેનો સસ્પેન્શન ઓર્ડર માગું છું.”