પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું નો’તો કે’તો !
૧૬૩
 

શિવરાજના હૃદયમાં બેઠેલો અસુર બોલતો હતો : જવા દેને આ પોલિસ-શકની બિલાડીને મોભામોભ એના જ ઇચ્છિત માર્ગે ! તું શા માટે સતવાદીનું પૂંછડું થવા જાય છે ? આ જેલરનાં ને કોન્સ્ટેબલનાં બાયડી-છોકરાંને પાળજે, પૈસા મોકલજે, બહુ બહુ તો બબ્બે વર્ષની સજા પામીને એ છૂટે આવે ત્યારે એને ધંધે ચડવાની મદદ કરજે. તું જીવતો હોઈશ ને તારું આજનું સ્થાન સલામત હશે તો તારી એક બૂરાઈની ભરપાઇ તું સુકૃત્યો વડે કરી શકશે. માટે જવા દે ! જવા દે, આ મામલાને એની મનઇચ્છિત બાજુએ, કુદરત પોતે જ ઈચ્છે છે.

એવા એવા લોભામણા સ્વરો જેલના દરવાજા પર ઊભા ઊભા કાનમાં સિંચાઈ રહ્યા. ઘડીભર એ સાચા લાગ્યા, ઘડી પછી પિતાના બોલ યાદ આવ્યા “કોઈ નહીં ભાગી જઈ શકે.” અને એની સામે ત્રણ ગરીબ કુટુંબો કમબખ્તીના કાલિમંદિરના બરાબર ઉંબર પર બોકડા બનીને ઊભાં હતાં. એ બોકડાને વધેરવાની છૂરી એના હાથમાં હતી. વિધાતાદેવીએ જાણે એને પોતાનો પૂજારી બનાવ્યો હતો.

“સાહેબ !” ગોરો અફસર અધીર બન્યો, “વખત જાય છે. કાં તો વોરંટ આપો, નહીંતર મને રાજકોટ તાર કરવા દો.”

“એ તારમાં બે શબ્દો ઉમેરશો, ઉમેરજો, કે સાચો ગુનેગાર હાથમાં જ છે, ને આપોઆપ સુપરત થાય છે.”

પોતાના હાથ લાંબો કરીને શિવરાજે પોલીસ-ઉપરી સામે ધર્યા ને પછી કહ્યું : “સાહેબ, ગુનેગાર હું છું. તહોમતદારણને મેં મારી સત્તાની મદદથી નસાડી છે, ઈરાદાપૂર્વક નસાડી છે. મને ગિરફતાર કરો.”

૪૦. હું નો’તો કે’તો!

શિવરાજના લંબાયેલા હાથનાં મજબૂત કાંડાં પરથી મિ. સ્કોટની દૃષ્ટિ સીડી ચડતી બિલાડીની માફક એકદમ શિવરાજના ચહેરા પર ચોંટી. એ તેજસ્વી આંખોમાં આકાશની નીલિમા નહોતી, ઉજાગરાએ અરુણોદયના રંગ પૂર્યા હતા.

“મિ. સ્કોટ,” શિવરાજના હોઠ અકમ્પિત સ્વરે ફરીથી બોલ્યા, “હું જ અપરાધી છું. મને ગિરફતાર કરો. તમારી ફરજ બજાવો.”

“આપ બીમાર છો, સાહેબ ?” પોલીસ અધિકારીનો સ્વર દયાર્દ્ર બન્યો.

“લેશ પણ નહીં, મિ. સ્કોટ, તમે આ નિર્દોષોને નિર્ભય કરો, મને કેદ કરો.”

પોલીસ અધિકારીને અનેક જૂની નવલકથાઓ યાદ આવી : “મિ. શિવરાજ સર, ચાલો આપને બંગલે.”

“મારું સ્થાન હવે અહીં છે.” શિવરાજે જેલનો દરવાજો દેખાડ્યો.

અંગ્રેજી સમજી શકનાર એક જેલર જ હતો. પહેરેગીરોને જે ચાલી રહ્યું હતું તેની ગતાગમ નહોતી.

“આપ બંગલા પર ચાલો.”

“મેં એ ઘર ખાલી કર્યું છે. હું આખરી પ્રવાસે નીકળી ચૂક્યો છું. મિ. સ્કોટ.” પોલીસ અધિકારીએ શિવરાજના લંબાયેલા હાથ ઝાલી લીધા. તમ્મર ખાઈને પડતા