પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જળમાં ને જ્વાળામાં સંગાથે
૧૭૫
 


લિખના-પઢના સિખાતી હૈ. બડી સમજદાર ઓરત હૈ, સા’બ ! કિસીકી સાથે બેમતલબ બોલતી ભી નહીં.”

“આંહીં જ રહે છે ?”

“હાં, રાતકો ભી યહાં ઓરત-બરાકમેં સબકે સાથ ગિરફ્તાર હો કર સોતી હૈ, ઔર ‘શિવ’ ‘શિવ’ રટતી હૈ.”

સાંભળીને શિવરાજ પોતાની તુરંગમાં પેસી ગયો; કોઈ ન દેખી જાય તેવી એકાંતે એનાં આંસુ ખળખળ્યાં.

એને મળવા માટે સુપરિન્ટેન્ડેન્ટ કોઈ દિવસ આવતો નહીં. જેલરને એની પૂરી સંભાળ લેવાની સૂચના આપી દીધી હતી. વોર્ડરો આઠ દિવસમાં તો એના બની ગયા હતા. વોર્ડરોને ધીમે ધીમે ખબર પડી ગઈ હતી કે આ બેઉ પરણવાનાં હતાં; ને બાઈ આંહીં આવીને રહી છે તેનું કારણ પણ આંતરિક અનુરક્તિ જ છે.

એક દિવસ વોર્ડરે હિંમત કરીને પૂછ્યું: “સા’બ, ઉનકો કુછ ખબર પહુંચાવે ?”

શિવરાજ હેઠું જોઈ ગયો. એ જાણે કે વધુ ને વધુ અપરાધી બની રહ્યો હતો. સરસ્વતીનું જેલમાં હોવું એને માટે અસહ્ય હતું. પોતે જ જાણે કે એ યુવતીના જીવનમાંથી પ્રકાશ શોષી લીધો હતો.

રવિવારની સાંજ હતી. પોતે પોતાની બરાકમાં એકલો જ હતો. કેદીઓ બધા પુરાઈ ગયા હતા. શિવરાજ કાગળ લખવા બેઠો —

તમે મારે ખાતર શું કરી બેઠાં છો તે મેં જાણ્યું છે. મારાં પાપનો અરધો ભાર આખરે શું મેં તમારા પર જ નાખ્યો છે ! આંહીં આવીને પુરાઈ જવામાં મારો એક આશય તો તમને જ મુક્તિ આપવાનો હતો. મારી પાપ-ચૂડમાંથી છૂટીને તમે તમારા જીવનમાં નવો સૂર્યોદય નિહાળશો એવી મારી આશા હતી. તેને બદલે તો, ઓ સરસ્વતી ! તમે આંહીં, આ કબરમાં પણ મારી પાછળ પાછળ આવ્યાં છો !

“સરસ્વતી ! તમે આંહીંથી ચાલ્યાં જાઓ. નહીં તો મને એક ક્ષણ પણ નીંદ નથી મળવાની. મારી સજા મને એકલાને ભોગવવા દો. આ કાળા કિસ્મતમાં એટલું તો એક સુખકિરણ પડવા દો કે મેં તમારું જીવન ભુક્કો નથી કર્યું ! ચાલ્યાં જાઓ, સુખી થાઓ, પ્રભુની કૃપા ઊતરો તમારા પર…

સૂર્યાસ્તે આ કાગળ આટલો લખાય છે ત્યાં તો બહાર ચોગાનમાં બત્તી દેખાઈ. કાગળ પોતે ઢાંકી દીધો. એને જરીક જેલર દેખાયો, પણ પછી જુએ છે તો બત્તી ઉંબરમાં પડી હતી. જેલર અદૃશ્ય બન્યો હતો; તેને સ્થાને જાણે કોઈક સ્વપ્નમૂર્તિ સમી, હવાની પૂતળી સમી, પરલોકમાંથી આવેલા સુંદર પ્રેત સમી સરસ્વતી ઊભી હતી. એના શરીર પર શ્વેત સાડી હતી; એના હાથમાં મીંઢોળ બાંધ્યું હતું; કપાળે ચાંદલો હતો; એને ખભે એક ઉપરવટણી લટકતી હતી.

“તમે ? સરસ્વતી ! તમે આંહીં ? અત્યારે ?” શિવરાજ ઝબકીને ઊભો થયો.

“આજે આપણી લગ્નતિથિ છે.”

“એવું ન બોલો. એ ન બને. આ જેલ છે. સરસ્વતી ! પાછાં જાઓ, પિતાજીની પાસે જાઓ.”

“પિતાએ તો કાઢી મૂકી છે. મારે કોઈક આશરો તો જોઈએ ને !”

“પણ… પણ જેલ સુપરિન્ટેન્ડેન્ટને ખબર પડશે તો… ચાલ્યાં જાવ…”