લેખકનું નિવેદન
[પહેલી આવૃત્તિ વેળા]
નિવેદન હંમેશાં પુસ્તકના પ્રારંભમાં મુકાય છે. અહીં અંતમાં મૂકેલ છે. આશય એટલો જ છે કે આ વાર્તા એક અંગ્રેજી કૃતિને આધારે ગુજરાતીમાં ઉતારવામાં આવી છે તે હકીકતનું જ્ઞાન વાચકની રસવૃત્તિમાં, એનું વાચન થવા દરમ્યાન, કશો વિક્ષેપ ન કરે.
આવો વિક્ષેપ થાય છે એ લેખકની માહિતીની વાત છે. કૃતિ જો અસલ લખાણનું શબ્દશઃ ભાષાન્તર હોય તો આવી માહિતી પ્રથમથી જ આપી દેવી આવશ્યક બને છે; કેમ કે ભાષાન્તરમાં – તરજુમામાં તો મુખ્ય આશય અસલ કૃતિનું હાર્દ સમજવા-સમજાવવાનો છે.
રૂપાન્તર થાય છે ત્યારે મુખ્ય જવાબદારી રૂપાન્તરકારની બને છે. પોતે અસલ કૃતિનો ઉપકારભાવે ઋણસ્વીકાર કરે છે, અને નવી રચનાના યશનો ધણી પોતે એકલો જ ન બની જાય એટલી એની પ્રામાણિક ફરજ છે. પરંતુ સાંગોપાંગ રચના તો એની પોતાની જ લેખે પરીક્ષામાં મુકાવી ઘટે. એની ખૂબીઓ તેમ જ ખામીઓના કડક તોલનનું પરિણામ એણે એકલાએ જ બરદાસ્ત કરવું રહે છે. આવું તોલન નિરંતરાય તો જ બને, જો વાચકને વાચન કરતે કરતે, આખે રસ્તે એકને બદલે બે લેખકોનો વિચાર કર્યા કરવો ન પડે.
મૂળ કૃતિ ‘ધી માસ્ટર ઓફ મૅન’ નામની, સદ્ગત અંગ્રેજ સાહિત્યમણિ હૉલ કૅઈનની છે. એ કૃતિની લીલાભૂમિ ઈંગ્લંડ પાસેનો ‘આઇલ ઑફ મેન’ નામનો એક અર્ધસ્વરાજ ભોગવતો ટાપુ છે. મેં એમાંથી ઘણા અંશો કાઢી નાખીને કાઠિયાવાડની જીવનસ્થિતિને બંધ બેસે તે રીતના ઘણા ફેરફારો કર્યા છે. ક્યાંક ક્યાંક તો મૂળનાં ચિત્રોને શબ્દશઃ પણ મૂકવાનો લહાવ લીધો છે, જ્યારે ઘણુંખરું મેં મારી વાર્તાને એની સ્વતંત્ર ગતિએ રમવા દીધેલ છે.
આ કૃતિ વાંચ્યા પછી મૂળ લેખક પર જો વાચક મોહિત થાય તો માહિતી આપું કે હોલ કૅઇનનાં નીચે લખ્યાં પુસ્તકો પરિચય કરવા લાયક છે : The Deemstor, White Prophet, Barbed Wire, Prodigal Son, The Manxman, The Woman Thou Gavest Me વગેરે.
જેના પરથી ‘અપરાધી’ની રચના થઈ છે તે વાર્તાએ હોલ કૅઈનને હ્યુગો, ઝોલા અને ટૉલ્સ્ટૉય સરીખા વાર્તાસ્વામીઓની હરોળમાં મુકાવેલ છે. હજારો હૈયાને આ વાર્તાએ ધબકતાં કરેલ છે. કોઈ વિવેચકોએ એને લેખકની ઉત્કૃષ્ટ કૃતિ કહેલ છે.
હૉલ કેઈન ઈગ્લંડના નહીં પણ આ ‘આઈલ ઑફ મૅન’ નામે ટાપુના પુત્ર હતા. પોતાની કેટલીય કૃતિઓની લીલાભૂમિ એણે આ નાનકડી માતૃભૂમિને બનાવેલ છે. સંસ્કૃતિના સારામાઠા ખળભળાટોથી વેગળા અને એકાકી પડેલા આ ટાપુનું લોકજીવન જે ખૂબીઓથી રંગાયેલું છે તેની એ કૃતિઓમાં અદ્ભુત ભાત ઊઠી છે. લેખકનું સ્વભૂમિ સાથેનું ઓતપ્રોતપણું એમાંથી મળે છે.
‘અપરાધી’ મૂળ ૧૯૩૬-૩૭ના ‘ફૂલછાબ’માં ચાલુ વાર્તા લેખે વર્ષ-સવા સુધી