પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરસ્વતી પાછી આવે છે
૫૩
 


રેલવેના ડાકડબ્બાની પેટીમાં નાખ્યો.

વળતા દિવસે અજવાળીની માએ સૂર્યાસ્તની વાટ જોઈ. વિરાટનું ચામાચીડિયું અંધારું જ્યારે આકાશમાં ઊંધે માથે લટકી પડ્યું ત્યારે તેણે આવીને ‘ન્યાધીશબાપા’ના આંગણામાં વાટ જોઈ. ‘બાપા’ ફરીને આવ્યા ત્યારે એ આધેડ બાઈનું મોં મીઠી આત્મવંચનાનો મલકાટ ધારણ કરીને ઊભું હતું.

“બાપા !” એણે ઉભડક પગે બેસીને બે હાથ જોડ્યા : “તમારી વાત સાચી. માનો જીવ અભાગિયો ખરોને, તે આટલા દી વશવાશ કરતો નો’તો કે બાપાએ કહેલું સાચું હોવું જોઈએ. પણ આજ તો મારી અંજુડીનો મૂઈનો કાગળ આવ્યો છે. મૂઈને જમાઈ ભણેલો જડ્યો, હો બાપા ! મેં ટપાલી આગળ વંચાવ્યો, પણ મને તો એણે શું વાંચ્યું તે ઈયાદે ન રિયું. તમે, બાપા, વાંચી દેખાડશો ? બે વાર વાંચોને, માડી ! હું મૂઈ ટપાલિયા આગળ ગઈ ! ઈ રોયો ઠેકડી કરવા મંડ્યો. મેં તો કાગળ આંચકી જ લીધો. એને રોયાને હસવું આવે — એને કાંઈ દીકરી થોડીક છે ? રોયો વાંઢો તે શું સમજે ? ઓલ્યાને, અંજુડીના બાપને રોયો કહી દેશે તયેં તો મને પીટવાનો. ઠીક ભલેને પીટે. મારી અંજુડી મજા કરે છે. પછે માર થોડો ખમી લેવો એમાં શી મોટી મામલત છે ! લ્યોને, બાપા, વળી કોઈ આવી જાશે.”

શિવરાજની આંગળીઓએ એ કવર ઉપાડતાં મણ જેટલો બોજો અનુભવ્યો. કવર એક વાર તો એના હાથમાંથી પડી ગયું. પછી એણે નિષ્પ્રાણભાવે કાગળનું વાંચન કર્યું.

“બીજી વાર વાંચશો, બાપા ?” બાઈએ કાકલૂદી કરી : “મારે હૈયે થઈ જાશેને આખો કાગળ, પછેં તો હું રાત-દી મારી જાણે જ વાંચ્યા કરીશ.”

શિવરાજે બીજી વાર વેઠ ઉતારી. એક એક અક્ષર વીંછી બનીને એને ડંખ દેવા લાગ્યો.

“હાંઉં, ખમા તમને,” બાઈ ઊઠી : “અરેરે ! મને હવે કોણ ભણતર ભણાવે ? નીકર હું મારી જાણે જ ઉકેલી લઉંને ! બૈરાંની જાતને કોણ શીખવે, બાપા ?”

“બાઈ, મોટા સાહેબની દીકરી છે, એ તમને શીખવે તેવાં છે.”

“તો હું શીખું. મને ઈયાદ ન રે’ ? – રે હો, બાપા. નાનપણમાં મેં કાંઈ મોતીના વીંઝણા ને હીરનાં ભરત થોડાં નથી ભર્યાં ! મારી અંજુડીનો કાગળ ઉકેલવાની મને ખૂબ હોંશ થાય છે.”

“હું તમને સાહેબનાં દીકરી સાથે ઓળખાણ કરાવી દઉં ?”

“કરાવી દેશો ? તો તો હું શીખી લઉં. ને હું તો સામે કાગળ લખવા માંડું. પણ એને ક્યાં બીડું ? એનું કાંઈ ઠેકાણું માંડ્યું છે આમાં ? જુઓને, માડી !”

“નથી.”

“ફરી વાર જોશો ? વખતે ક્યાંક હોય.”

“નથી, બાઈ, નથી.”

“થિયું. કાંઈ નહીં, બાપા ! તમને સંતાપવા નથી મારે. મોટા માણસની અગવડ-સગવડ જોયા વગર હુંય મૂઈ લાગી જ રઈ છું. ગરજવાનને અક્કલ ન હોય, બાપા ! ગરજે તો ગધેડાનેય —”

“એટલું બોલ્યા પછી બાઈનેય ભાન આવ્યું કે પોતે એ પાછલી જૂની કહેવતનો જે પ્રયોગ આંહીં કરી રહી છે અનુચિત હતો. ફરી વાર ધરતી સુધી માથું લઈ જઈને એણે શિવરાજને નમન કર્યું. એ ચાલી ગઈ — શિવરાજને માટે આત્મતિરસ્કારના સર્પદંશો મૂકતી ગઈ.