પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
અપરાધી
 

“સૌ પોતપોતાનું કામ કરવા લાગો.” લઠ્ઠ બાઈ આટલું કહીને ચાલી ગઈ. પચાસે બાઈઓના હાથ કામની શોધમાં આમતેમ અફળાયા. કામ કશું હતું નહીં.

એકસો આંખો સામસામી ચકળવકળ કરતી હતી. એ દૃષ્ટિમાં ધાક અને અવિશ્વાસની શૂન્યતા હતી.

૧૭. ત્રાજવામાં

જવાળીને ઠેકાણે પાડ્યા પછી બે જ દિવસે શિવરાજની અદાલતમાં એક નાજુક મુકદ્દમો આવીને ઊભો રહ્યો.

કેમ્પની વસુમતી મિલના શેઠના પુત્ર પર એના એક મજૂરે ખૂની હુમલો કર્યો. મજૂરની છરી શેઠ-પુત્રને પૂરી ઈજા ન કરી શકી, ત્યાં તો પઠાણ દરવાનો આવી પહોંચ્યા અને મજૂરને ગૂંદી ગૂંદી કબજે કર્યો. મહાવ્યથા અથવા લઘુવ્યથાની કલમ હેઠળ થયેલો ગણાતો એ ગુનો શિવરાજની ન્યાય-ત્રાજૂડીમાં તોળાવાને માટે આવી પહોંચ્યો.

કાઠિયાવાડની જૂજજાજ મિલો માયલી એક મિલ હતી. માલિકના મગજમાં અમદાવાદી ઉદ્યોગપતિનું શાણપણ હતું. શહેનશાહના જન્મદિને તેમ જ તાજપોશીની વર્ષગાંઠે શેઠની નાદર સખાવતો જાહેર થતી; અને નાતાલના ઉત્સવમાં શેઠ-ઘરની ભેટસોગાદો ખુદ મોટા સાહેબ સુધીના એક પણ અમલદારી ઘરને ન વિસરતી. શેઠે શહેરની ક્લબને ગ્રાંટ બાંધી આપી હતી. શેઠના અહેસાનથી વંચિત એક દેવનારાયણસિંહ સિવાય ભાગ્યે જ કોઈ એજન્સી અધિકારી રહ્યો હતો. શેઠની મોટરો માગી જનારા એક ઓફિસરે એક વાર પોતાના પદરથી પેટ્રોલ ભરાવેલું તેને તો શેઠે પોતાની અવમાનના સમજીને એ અધિકારી પર મોટો ધોખો ધર્યો હતો.

હુમલાના કારણરૂપે મિલનાં રજિસ્ટરો અને ચોપડાઓની સાહેદી ટાંકીને બતાવવામાં આવ્યું કે કામમાં બેદિલી રાખીને સંચાને નુકસાન કરવા બદલ એના પગારમાં કાપ મૂકવામાં આવેલ તેનો એ મજૂરે કિન્નો રાખેલ હતો.

મિલ-મજૂરો દારૂડિયા, જુગારી અને સ્વભાવે હિંસક પ્રાણીઓ સમા હોય છે, એવી છાપ શિવરાજના દિલ પર પાડવાના શક્ય તેવા તમામ યત્નો થઈ ચૂક્યા. સૌને લાગ્યું કે મુકદ્દમો નાનું બાળક પણ પહેલી જ નજરે સમજી શકે તેવો સાવ સાદો હતો. વકીલોની ઊલટતપાસમાંથી એ જ સાર નીકળતો હતો. મજૂરના પક્ષે સાહેદી પૂરનાર કોઈ નહોતું. આ બધી દલીલોની ભીડ વચ્ચેથી જુવાન મેજિસ્ટ્રેટનું મન માર્ગ કાઢતું કાઢતું આરોપીની પાસે પહોંચતું હતું. આરોપીની સામે વીતેલા આઠ દિવસો એને દિલે કોઈક બીજી જ ગંધ લાવતા હતા.

“આરોપી” શિવરાજે કેદીને આખરની સુનાવણી વખતે પૂછ્યું “તારે તારા બચાવમાં કાંઈ કહેવું છે ?”

“ના, સાહેબ.”

“તેં ગુનો શા માટે કર્યો છે ?”

કેદીએ જવાબ ન વાળ્યો.

શિવરાજનું દિલ સ્વચ્છ નહોતું. પહેલા પુરાવા અને કેદીની બચાવ વિશેની બેપરવાઈ