પૃષ્ઠ:Apoorva Avasar.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અપૂર્વ અવસર


અપૂર્વ અવસર એવો ક્યારે આવશે,
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો ?
સર્વ સબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરીશું કવ મહત્પુરુષને પંથ જો ? અપૂર્વ...

સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં,
દેહ પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. અપૂર્વ...

દર્શન-મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જો,
દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો;
તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ,
વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ...

આત્મ-સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની,
મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો;
ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી,
આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ...

સંયમના હેતુથી યોગ-પ્રવર્તના,
સ્વરૂપલક્ષે જિન-આજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં
અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ...

પંચ વિષયમાં રાગ-દ્વેષ-વિરહિતતા,
પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો;
દ્રવ્ય, ક્ષેત્ર ને કામ ભાવ પ્રતિબંધ વણ
વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ...

ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ-સ્વભાવતા,
માન પ્રત્યે તો દીનપણાનું માન જો;
માયા પ્રત્યે માયા સાક્ષીભાવની,
લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ...