પૃષ્ઠ:Apoorva Avasar.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


બહુ ઉપસર્ગ-કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં,
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ...

નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા,
અદંતધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો
કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહિ,
દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ...

શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા,
ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ... ૧૦

એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો;
અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ...૧૧

ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ,
સરસ અન્ને નહિ મનને પ્રસન્નભાવ જો;
રજકણ કે રિદ્ધિ વૈમાનિકદેવની,
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ...૧૨

એમ પરાજય કરીને ચારિત્રમોહનો,
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો;
શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા,
અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ...૧૩

મોહ સ્વયંભૂ-રમણ સમુદ્ર તરી કરી,
સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ-મોહ-ગુણ-સ્થાન જો;
અંત સમય ત્યાં સ્વરૂપ વીત-રાગ થઈ,
પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો. અપૂર્વ...૧૪