જાપાન સાથેના સંબંધની શરૂઆત.
જાપાનના ઇતિહાસમાંથી એક એવી કથા નીકળે છે કે, ઈ. સ. ૨૦૦ ની અંદર જાપાનની મહારાણીને સ્વર્ગમાંથી પ્રેરણા થઈ. એ પ્રેરણામાં એને સંભળાયું કે “૫શ્ચિમે સોના રૂપાથી રેલી રહેલી એક ભૂમિ છે, અપરંપાર સમૃધ્ધિથી શોભતી એ ભૂમિ કોઈ સુંદર સુસજ્જ રમણી જેવી દેખાય છે.” મહારાણીને એ ભૂમિમાં જવાની અભિલાષા થઈ. એની આજ્ઞાથી એક સેના તૈયાર કરવામાં આવી. અને ચોમેરથી નૌકાઓ એકઠી થઈ. મંગળ શુકન સામાં મળ્યાં, દેવોએ બે ફિરસ્તાઓ એનું રક્ષણ કરવા મોકલ્યા, વ્હાણને હંકારવા વાયુ દીધો, અને દરીયામાંથી પ્રચંડ માછલીઓ બ્હાર આવીને વ્હાણને પોતાની પીઠ ઉપર ઉપાડી ચાલી.
કિનારા ઉપર એ ત્રણ રાજ્યોમાંનું એક સીલા નામનું રાજ્ય આવેલું. ત્યાં આખા પ્રદેશ પર સમુદ્રનાં પાણી ચડવા લાગ્યાં. લોકો ભય પામ્યાં.
સીલાની પ્રજા કળા કારીગીરીમાં નિપુણ હતી. રાજપ્રકરણી આવડતમાં ઉસ્તાદ હતી. પણ યુધ્ધનાં બખ્તર સજવાની તાકાદ એમાં નહોતી. રાજા લાચાર બનીને મહારાણી