પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અમેરિકાનો કોલ.

પોતાનાં દ્વાર બંધ કરીને જ આ એકાકી સાધુસરખો દેશ (Hermit Kingdom) બેઠો રહ્યો. એની પ્રજા જાણતી હતી કે પારકા સાથે પિછાન કરવાથી ઠાલી મારામારી જાગવાની. પણ આખરે, અમેરિકાને ટકોરે, એણે ભરોસે ભૂલી બારણાં ખોલ્યાં. ૧૮૮૨ માં કોરીઆએ અમેરિકાને વેપારના કેટલાએક કિમતી હક્કો વેચી માર્યા. અમેરિકાએ એક કાગળના ટુકડા ઉપર લખી આપ્યું “કે તમને બીજી કોઈ પ્રજા રંજાડશે તો અમે તમારા રક્ષણ માટે અમારી વગ ચલાવીશું” અમેરિકાનો આપેલો કોલ ! કોરીયા નિર્ભય બનીને સૂતું.

કોરીયામાં એક દુષ્કાળ ફાટી નીકળ્યો. વ્હેમી કોરીયાવાસીઓએ માન્યું કે, વિદેશીઓ આપણી ભૂમિ પર આવ્યા છે માટે દેવતા કોપાયા છે. પરિણામે તેઓએ ફરીવાર કેટલાએક જાપાનીઓને માર્યા, ને જાપાની એલચી માંડમાંડ કિનારે પહોંચ્યો.

ફરીવાર જાપાન ખળભળ્યું–લોહીને બદલે લોહી લઈએ, નહિ તો નાણાં લઈએ: એ જ એની માગણી. ચીનમાંથી દસ હજારની સેના કોરીયાની મદદે પહોંચી. પણ લડાઇની ધમકીથી કાયર થયેલું શાંતિપ્રિય કોરીયા જાપાની પ્રજાને ચાર લાખ યેનનો દંડ, તથા વેપારના વધુ કસદાર હક્કો આપીને છૂટ્યું.

૨૧