સલાહ સ્વીકારાણી.
સ્વાધીનતાનું જાહેરનામું તૈયાર થયું. દેશના તેત્રીશ નાયકોએ એના ઉપર સહી કરી. એની નકલો ગામડે ગામડે ચુપચાપ પહોંચી, વંચાણી, ને મંજુર થઈ. દફનને દિવસેજ એ સંદેશો ગામેગામમાં પ્રગટ થવાનો હતો. ચુપાચુપ, બે કરોડ માણસોની અંદર આ તૈયારી થતી હતી. બે કરોડમાંથી એક બાલક પણ આ વાતથી અજાણ્યું નહોતું. છતાં આખા દેશમાં અદ્ભુત શાંતિ ! જાપાની કાગડો પણ ન જાણે કે શું થઈ રહ્યું છે.
જાપાનીઓને જરાક ગંધ આવી કે દફનને દિવસે કાંઈક થવાનું છે. દફનને દિવસે સભા ભરવાની જ મનાઈ થઈ. પ્રજાના આગેવાનોએ સોમવારને બદલે શનિવાર ઠરાવ્યો. જાપાની કૂતરૂં પણ આ વાત જાણી ન શક્યું. યશસ્વી શનિવાર આવી પહોંચ્યો. પેલા તેત્રીશ મરણીયા સરદારોમાંથી બે તો બહારની દુનિયાને ખબર પહોંચાડવા શાંગાઈ પહોંચેલા. બાકીના ત્રીશ બહાદુરો એક નામાંકિત હોટેલમાં છેલ્લી વારને માટે ભેળા બેસી ખાણું ખાવા મળ્યા, ને મુખ્ય જાપાની અધિકારીઓને પણ ભોજન લેવા નોતર્યા.