પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખાઈઓ ખોદાતી જશે, પ્રતિદિવસ ઉંડી ને ઉંડી ખોદાતી જશે. બ્હેતર રસ્તો તો એ છે કે સાચી હિંમત વાપરી પાક દાનતથી તમારાં પુરાણાં પાપોનું નિવારણ કરો, મહોબત અને મિત્રતા આદરો, કે જેને પરિણામે નવો યુગ મંડાશે, અને બન્ને પ્રજાઓને સરખું સુખ મળશે.

કોરીયાની સ્વાધીનતા અમને જ માત્ર જીવન આપશે એમ નથી. એ સ્વાધીનતા તમને પણ પાપના માર્ગ પરથી ઉગારી લેવાની, એશિયાના સંરક્ષકની પ્રતાપી પદવીએ તમને સ્થાપવાની–પરિણામે ચીન પણ તમારાથી ત્રાસતું બચશે. તમારા પરના દુર્બળ કોઈ ગુસ્સાની અંદરથી આ વિચારો નથી પ્રગટતા, પણ વિશ્વકલ્યાણ અને વિશ્વપ્રેમની મહાન્ મુરાદોની અંદરથી ઉઠી રહ્યા છે.

અમારી દૃષ્ટિ સન્મુખ આજે નવીન યુગ ઉભો થયો છે. પશુબળનો યુગ તો હવે ભૂતકાળના ઈતિહાસની વાત થઈ ગઇ. જૂના જગત્‌ના દુઃખભર્યા અનુભવે આપણને નવું જ્ઞાન અને નવો પ્રકાશ આપ્યા છે. સર્વને સર્વનું સુપ્રત કરી દેવાનો આ યુગ છે. આવા આ યુગના મધ્યાહ્નકાળે અમારી સ્વાધીનતા ખરી કરવા આજે અમે મેદાને પડીએ છીએ. અમે હવે વિશેષ

૫૯