પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૬. નાતાલ પહોંચ્યો

વિલાયત જતાં વિયોગ દુઃખ થયું હતું તે દક્ષિણ આફ્રિકા જતાં ન થયું. માતા તો ચાલી ગઈ હતી. મેં દુનિયાનો ને મુસાફરીનો અનુભવ લીધો હતો. રાજકોટ મુંબઈ વચ્ચે તો આવજા હતી જ. એટલે વિયોગ માત્ર પત્નીની સાથેનો આ વેળા દુઃખકર હતો. વિલાયતથી આવ્યા પછી એક બીજા બાળકની પ્રાપ્તિ થઈ હતી. અમારી વચ્ચેના પ્રેમમાં હજુ વિષય તો હતો જ. છતાં તેમાં નિર્મળતા આવવા લાગી હતી. વિલાયતથી મારા આવ્યા પછી અમે સાથે બહુ થોડું રહ્યાં હતાં, અને હું પોતે ગમે તેવો પણ શિક્ષક બન્યો હતો તેથી, તથા પત્નીમાં કેટલાક સુધારા કરાવ્યા હતા તેથી, તે નિભાવવા ખાતર પણ સાથે રહેવાની આવશ્યકતા અમને બંનેને જણાતી હતી. પણ આફ્રિકા મને ખેંચી રહ્યું હતું. તેણે વિયોગને સહ્ય બનાવી મૂક્યો. 'એક વર્ષ બાદ તો આપણે મળશું જ ના?' એમ કહી સાંત્વન આપી મેં રાજકોટ છોડ્યું ને મુંબઈ પહોંચ્યો.

દાદા અબદુલ્લાના મુંબઈના એજન્ટ મારફતે મારે ટિકિટ કઢાવવાની હતી. પણ સ્ટીમરમાં કૅબીન ખાલી ન મળે. જો આવેળા ચૂકું તો મારે એક માસ લગી મુંબઈમાં હવા ખાવી પડે તેમ હતું. એજન્ટે કહ્યું, 'અમે તો બહુ મહેનત કરી પણ અમને ટિકિટ નથી મળી શકતી. ડેકમાં જાઓ તો ભલે. ખાવાનો બંદોબસ્ત સલૂનમાં થઈ શકશે.' એ દિવસો મારા પહેલા વર્ગની મુસાફરીના હતા. ડેકનો ઉતારુ થઈને કંઈ બારિસ્ટર જાય? મેં ડેકમાં જવા ના પાડી. મને એજન્ટ ઉપર શક આવ્યો. પહેલા વર્ગની ટિકિટ ન જ મળે એ મારા માન્યમાં ન આવ્યું. એજન્ટની રજા લઈ મેં જ ટિકિટ મેળાવવા પ્રયત્ન કર્યો. હું સ્ટીમર પર પહોંચ્યો. તેના વડા માલમને મળ્યો. તેને પૂછતાં તેણે મને નિખાલસપણે જવાબ આપ્યો: 'અમારે ત્યાં આટલી ભીડ ભાગ્યે જ હોય છે. પણ મોઝામ્બિકના ગવર્નર-જનરલ આ સ્ટીમરમાં જાય છે, તેથી બધી જગ્યા પુરાઈ ગઈ છે.'

'ત્યારે શું તમે કોઈ રીતે મારે સારુ જગ્યા ન જ કાઢી શકો?'

માલમે મારી સામે જોયું. તે હસ્યો ને બોલ્યો, 'એક ઉપાય છે. મારી કૅબીનમાં એક હીંચકો ખાલી હોય છે. તેમાં અમે ઉતારુને લેતા નથી,