પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાગ્યે જ તૈયાર હતાં. કેમ કે હજુ મને વકીલાત શરૂ કર્યાને બે ચાર માસ ભગ્યે જ થયા હતા. કૉંગ્રેસની પણ બાળવય હતી. તેટલામાં એક દિવસ એક ફાટેલાં કપડાં પહેરેલો, ધ્રૂજતો, મોઢેથી લોહી ઝેરતો, જેના આગલા બે દાંત પડી ગયા હતા એવો, મદ્રાસી હિંદી ફેંટો હાથમાં રાખીને રોતો રોતો મારી સમક્ષ આવી ઊભો. તેને તેના માલિકે સખત માર માર્યો હતો. મારો મહેતો જે તામિલ જાણતો હતો તેની મારફત મેં તેની સ્થિતિ જાણી. બાલાસુંદરમ્ એક પ્રતિષ્ઠત ગોરાને ત્યાં મજૂરી કરતો હતો. માલિકને કંઈ ગુસ્સો ચડ્યો હશે, તે ભાન ભૂલ્યો ને તેણે બાલાસુંદરમ્ ને સારી પેઠે માર માર્યો. પરિણામે બાલાસુંદરમના બે દાંત તૂટી ગયા.

મેં તેને દાક્તરને ત્યાં મોકલ્યો. તે કાળે ગોરા દાકતરો જ મળતા. ઈજા વિષેના પ્રમાણપત્રની મને ગરજ હતી. તે મેળવી હું બાલાસુંદરમને મેજિસ્ટ્રેટ પાસે લઈ ગયો. ત્યાં બાલાસુંદરમનું સોગનનામું રજૂ કર્યું. એ વાંચી મૅજિસ્ટ્રેટ માલિક ઉપર ગુસ્સે થયો. તેના ઉપર તેણે સમન કાઢવાનો હુકમ કર્યો.

મારી નેમ માલિકને સજા કરાવવાની નહોતી. મારે તો બાલાસુંદરમને તેની પાસેથી છોડાવવો હતો. હું ગિરમીટિયાને લગતો કાયદો તપાસી ગયો. સામાન્ય નોકર જો નોકરી છોડે તો શેઠ તેના ઉપર દીવાની દાવો માંડી શકે, તેને ફોજદારીમાં ન લઈ જઈ શકે. ગિરમિટ અને સામાન્ય નોકરીમાં ઘણો ભેદ હતો, પણ મુખ્ય ભેદ એ હતો કે ગિરમીટિયો શેઠને છોડે તો તે ફોજદારી ગુનો ગણાય ને તેને સારુ તેને કેદ ભોગવવી પડે. આથી જ સર વિલિયમ વિલ્સન હંટરે આ સ્થિતિને લગભગ ગુલામીના જેવી ગણી. ગુલામની જેમ ગિરમીટિયો શેઠની મિલકત ગણાય. બાલાસુંદરમને છોડાવવાના બે જ ઈલાજ હતા: કાં તો ગિરમીટિયાને અંગે નિમાયેલો અમલદાર, જે કાયદામાં તેમના રક્ષક તરીકે ઓળખાતો હતો, તે ગિરમીટ રદ કરે અથવા બીજાને નામે ચડાવી આપે, અથવા મલિક પોતે તેને છોડાવવા તૈયાર થાય. હું માલિકને મળ્યો. તેને કહ્યું, 'મારે તમને સજા નથી કરાવવી. આ માણસને સખત માર પડ્યો છે એ તો તમે જાણો જ છો. તમે તેનું ગિરમીટ બીજાને નામે ચડાવવામાં સંમત થાઓ તો મને સંતોષ છે.' માલિકને તો એ જ જોઈતું હતું. પછી હું રક્ષકને મળ્યો.