પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આત્મ કથા : ભાગ ૩


૧. તોફાનના ભણકારા

કુટુંબ સહિતની દરિયાની આ મારી પહેલી મુસાફરી હતી. મેં ઘણી વેળા લખ્યું છે કે હિંદુ સંસારમાં વિવાહ બાળવયે થતા હોવાથી, અને મધ્યમ વર્ગના લોકોમાં મોટે ભાગે પતિ સાક્ષર અને પત્ની નિરક્ષર એવી સ્થિતિ હોય છે તેથી, પતિપત્નીના જીવન વચ્ચે અંતર રહે છે અને પતિએ પત્નીના શિક્ષક બનવું પડે છે. મારે મારી ધર્મપત્નીના ને બાળકોના પોશાકની, ખાવાપહેરવાની તેમ જ બોલચાલની સંભાળ રાખવી રહી હતી. મારે તેમને રીતભાત શીખવવી રહી હતી. કેટલાંક સ્મરણો મને અત્યારેય હસાવે છે. હિંદુ પત્ની પતિપરાયણતામાં પોતાના ધર્મની પરાકાષ્ઠા માને છે; હિંદુ પતિ પોતાને પત્નીનો ઈશ્વર માને છે. એટલે પત્નીએ જેમ તે નચાવે તેમ નાચવું રહ્યું.

જે સમય વિષે હું લખી રહ્યો છું તે સમયે હું માનતો કે સુધરેલા ગણાવાને સારુ અમારો બાહ્યાચાર બને ત્યાં લગી યુરોપિયનને મળતો હોવો જોઈએ. આમ કરવાથી જ પો પડે ને પો પડ્યા વિના દેશસેવા ન થાય.

તેથી પત્નીનો અને બાળકોનો પોશાક મેં જ પસંદ કર્યો. બાળકો વગેરેને કાઢિયાવાડનાં વાણિયાં તરીકે ઓળખાવવાં તે કેમ સારું લાગે ? પારસી વધારેમાં વધારે સુધરેલા ગણાય. એટલે, જ્યાં યુરોપિયન પોશાકનું અનુકરણ અઠીક જ લાગ્યું ત્યાં પારસીનું કર્યું. પત્નીને સારુ સાડીઓ પારસી બહેનો પહેરે છે તેવી લીધી; બાળકોને સારુ પારસી કોટપાટલૂન લીધાં. બધાંને બૂટમોજાં તો જોઈએ જ. પત્નીને તેમ જ બાળકોને બંને વસ્તુ ઘણા માસ લગી ન ગમી. જોડા કઠે, મોજાં ગંધાય, પગ ફુગાય. આ અડચણોના જવાબ મારી પાસે તૈયાર હતા. જવાબની યોગ્યતા કરતાં હુકમનું બળ તો વધારે હતું જ. એટલે લાચારીથી પત્નીએ તેમ જ બાલકોએ પોશાકના ફેરફાર સ્વીકાર્યા. તેટલી જ લાચારીથી અને એથીયે વધુ અણગમાથી ખાવામાં છરીકાંટાનો ઉપયોગ કરવા માંડ્યો.