પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મિથ્યા છે. બનેલાને સમજી લઈએ. તેમાંથી શીખવાનું મળે તેટલું શીખી લઈએ, એટલું જ ઉપયોગી છે. અમુક પ્રસંગે અમુક મનુષ્ય શું કરશે એ નિર્ણયપૂર્વક કહી જ ન શકાય. તેમ જ મનુષ્યના બાહ્યચાર ઉપરથી તેના ગુણની જે પરીક્ષા થાય છે તે અધૂરી હોઈ અનુમાનમાત્ર હોય છે, એમ પણ આપણે જોઈ શકીએ છીએ.

ગમે તેમ હો. ભાગવાના કાર્યમાં ગૂંથાતા મારા જખમોને ભૂલી ગયો. મેં હિંદી સિપાઈનો પહેરવેશ પહેર્યો. માથે કદાચ માર પડે તો તેમાંથી બચવા સારુ એક પિત્તળની તાસક રાખી, તે ઉપર મદ્રાસીનો મોટો ફેંટો લપેટ્યો. સાથે બે ડિટેક્ટિવ હતા, તેમાંના એકે હિંદી વેપારીનો પોશાક પહેર્યો. પોતાનું મોઢું હિંદીના જેવું રંગ્યું. બીજાએ શું પહેર્યું એ હું ભૂલી ગયો છું. અમે પડખેની ગલીમાં થઈને પડોશની એક દુકાનમાં પહોંચ્યા, ને ગોદામમાં ખડકેલી ગૂણોની થપ્પીઓ અંધારામાં ટપીને દુકાનને દરવાજેથી ટોળામાં પસાર થયા. શેરીને નાકે ગાડી ઊભી હતી તેમાં બેસાડી મને પેલા થણામાં, જ્યાં આશ્રય લેવાનું સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરે સૂચવ્યું હતું તે જ થાણામાં, હવે લઈ ગયા. મેં સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરનો તેમજ પોલીસના અમલદારનો ઉપકાર માન્યો.

આમ એક તરફ જ્યારે મને લઈ જતા હતા ત્યારે બીજી તરફ સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડર ટોળાને ગીત ગવડાવી રહ્યાં હતા. તે ગીતનો તરજુમો આ છે:

ચાલો આપણે ગાંધીને પેલે
આમલીના ઝાડે ફાંસી લટકાવીએ.

જ્યારે હું સહી સલામત થાણે પહોંચ્યાની બાતમી સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરને મળી ત્યારે તેમણે ટોળાને કહ્યું: 'તમારો શિકાર તો આ દુકાનમાંથી સહીસલામત સટકી ગયેલ છે.' ટોળામાંના કોઈ ગુસ્સે થયા, કોઈ હસ્યા.ઘણાએ આ વાત માનવા ના પાડી.

'ત્યારે તમારામાંથી જેને નીમો તેને હું અંદર લઈ જાઉં, ને તમે તપાસી જુઓ. જો તમે ગાંધીને શોધી કાઢો તો તેને તમારે હવાલે કરું, ન શોધી શકો તો તમારે વેરાઈ જવું. તમે પારસી રુસ્તમજીનું મકાન તો