પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કામ મેં જ લઈ લીધું. મને તે ગમતું. વડીલો તરફ મારો આદર ખૂબ હતો. જ્યારે મારી વૃત્તિ તેઓ સમજી ગયા ત્યારે મને પોતાની અંગત સેવાનું બધું કામ કરવા દેતા. બટન ભિડવતાં મને મલકાઇને કહેતા: 'જુઓને, મહાસભાના સેવકને બટન ભીડવાનો સમય ન મળે કેમ કે તે વખતે પણ કામ કરવાનું રહે!' આ ભોળપણ ઉપર મને હસવું તો આવ્યું. પણ આવી સેવા પ્રત્યે મનમાં મુદ્દલ અભાવ ન થયો. મને જે લાભ થયો તેની તો કિંમત અંકાય તેમ નથી.

થોડા જ દિવસમાં મહાસભાના તંત્રની મને ખબર પડી. ઘણા આગેવનોની ભેટ થઈ. ગોખલે, સુરેન્દ્રનાથ, વગેરે યોદ્ધાઓ આવજા કરે. તેમની રીતભાત હું જોઇ શક્યો. વખતની જે બરબાદી થતી હતી તેનું દર્શન પણ મને થયું. અંગ્રેજી ભાષાનું પ્રાબલ્ય પણ પણ જોયું. તેથી ત્યારે પણ દુઃખી થયો. એકથી થાય તે કામમાં એકથી વધારે રોકાતા હતા તે મેં જોયું, ને કેટલાંક અગત્યનાં કામ કોઇ જ નહોતું કરતું એ પણ જોયું.

મારું મન આ બધી સ્થિતિની ટીકા કર્યા કરતું હતું. પણ ચિત્ત ઉદાર હતું તેથી જે થાય તેમાં સુધારો અશક્ય હશે એમ માની લેતું હતું, ને કોઇના પ્રત્યે અણગમો નહોતો થતો.


૧૫. મહાસભામાં

મહાસભા ભરાઈ. મંડપનો ભવ્ય દેખાવ, સ્વયંસેવકોની હાર, માંચડા ઉપર વડીલવર્ગ, વગેરેને જોઈ હું ગભરાયો. આ સભામાં મારો પત્તો શો લાગી શકે એ વિચારથી હું અકળાયો.

પ્રમુખનું ભાષણ તો એક પુસ્તક હતું. તે પૂરું વંચાય એવી સ્થિતિ જ નહોતી. તેમાંના કોઈ કોઈ ભાગ જ વંચાયા.

પછી વિષયવિચારિણી સમિતિના સભ્યો ચૂંટાયા. તેમાં મને ગોખલે લઈ ગયા હતા.

સર ફિરોજશાએ મારો ઠરાવ લેવાની હા તો પાડી હતી. પણ એ મહાસભાની વિષયવિચારણી સમિતિમાં કોણ રજૂ કરશે, ક્યારે કરશે, એ વિચારતો હું સમિતિમાં બેઠો હતો. એકેએક ઠરાવની પાછળ જાણીતી વ્યક્તિઓ. આ