પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મળ્યો. સર ગુરુદાસ બૅનરજીને મળ્યો. તેમની કુમક તો દક્ષિણ આફ્રિકાના કામને સારુ જોઈતી હતી. રાજા સર પ્યારીમોહન મુકરજીનાં દર્શન પણ આ જ સમયે કર્યા.

કાલિચરણ બૅનરજીએ મને કાલિના મંદિરની વાત કરી જ હતી. તે મંદિર જોવાની મને તીવ્ર ઈચ્છા હતી. તેનું વર્ણન મેં પુસ્તકમાં વાચ્યું હતું. તેથી ત્યાં એક દિવસ જઈ ચડ્યો. ન્યાયમૂર્તિ મિત્રનું મકાન તેજ લત્તામાં હતું. એટલે જે દહાડે તેમને મળ્યો તે દહાડે કાલિમંદિરે પણ ગયો. રસ્તે બલિદાનનાં ઘેટાંની તો હારની હાર ચાલી જતી હતી. મંદિરની ગલીમાં પહોંચતા જ ભિખારીઓની લંગાર લાગી રહેલી જોઈ. બાવાઓ તો હોય જ. મારો રિવાજ તે વખતે પણ હૃષ્ટપુષ્ટ ભિખારીને કશું ન આપવાનો હતો. ભીખ માગનારાઓ તો ખૂબ વળ્યા હતા.

એક બાવાજી ઓટલા ઉપર બેઠા હતા. તેણે બોલાવ્યો:' ક્યોં બેટા, કહાં જાતે હો?' મેં અનુકૂળ ઉત્તર વાળ્યો. તેણે મને અને મારા સાથીને બેસવા કહ્યું. અમે બેઠા.

મેં પૂછ્યું : 'આ ઘેટાંનો ભોગ તમે ધર્મ માનો છો?'

તેણે કહ્યું : ' જીવને હણવામાં ધર્મ કોણ માને?'

'ત્યારે તમે અહીં બેસી લોકોને કેમ બોધ નથી દેતા?'

'અમારું એ કામ નથી. અમે તો બેસીને ભગવદ્ભક્તિ કરીએ.'

'પણ તમને બીજી જગ્યા ન મળતાં આ જ મળી?'

'અમે જ્યાં બેસીએ ત્યાં સરખું. લોકો તો ઘેટાંના ટોળા જેવા છે; જેમ મોટા દોરે તેમ દોરાય. તેમાં અમારે સાધુને શું?' બાવાજી બોલ્યા.

મેં સંવાદ આગળ ન વધાર્યો. અમે મંદિરે પહોંચ્યા. સામે લોહીની નદી વહેતી હતી. દર્શન કરવા ઊભવાની મારી ઈચ્છા ન રહી. હું ખૂબ અકળાયો, બેચેન થયો. આ દ્રશ્ય હું હજી લગી ભૂલી શક્યો નથી. એક બંગાળી મિજલસમાં તે જ સમયે મને નોતરું હતું. ત્યાં મેં એક ગૃહસ્થ પાસે આ ઘાતકી પૂજાની વાત કરી. તેમણે કહ્યું: 'ત્યાં નગારાં વગેરે વાગે ને તેની ધૂનમાં ઘેટાંને ગમે તે રીતે મારો, તો પણ તેને કંઈ ઈજા ન લાગે એમ અમારો અભિપ્રાય છે.'

મને આ અભિપ્રાય ગળે ન ઊતર્યો.ઘેટાંને વાચા હોય તો નોખી