પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ક્યુનીની રીત પ્રમાણે કટિસ્નાન આપવાનું શરૂ કર્યું. ત્રણ મિનિટથી વધારે વખત હું તેને ટબમાં રાખતો નહીં. ત્રણ દિવસ તો કેવળ નારંગીના રસની સાથે પાણી મેળવી તે ઉપર રાખ્યો.

તાવ હઠે નહીં. રાત્રે કંઇ કંઇ બકે. તાવ ૧૦૪ ડિગ્રી લગી જાય. હું ગભરાયો. જો બાળકને ખોઇ બેસીશ તો જગત મને શું કહેશે ? મોટાભાઇ શું કહેશે ? બીજા દાક્તરોને કાં ન બોલાવાય ? વૈદ્યને કેમ ન બોલાવવા ? પોતાની જ્ઞાનહીન અક્કલ ડહોળવાનો માબાપને શો અધિકાર છે ?

આવા વિચારો આવે. વળી આમે વિચારો આવે:

જીવ ! તું તારે સારુ કરે તે દીકરાને સારુ કરે તો પરમેશ્વર સંતોષ માનશે. તને પાણીના ઉપચાર પર શ્રદ્ધા છે, દવા ઉપર નથી. દાક્તર જીવતદાન નહીં આપે. તેનાયે અખતરા છે. જીવનદોરી તો એક ઈશ્વરના જ હાથમાં છે. ઈશ્વરનું નામ લઇને, તેના ઉપર શ્રદ્ધા રાખી, તું તારો માર્ગ ન છોડ.

આમ ધાલાવેલી મનમાં ચાલતી હતી. રાત પડી. હું મણિલાલને પડખામાં લઇને સૂતો હતો. મેં તેને ભીના નિચોવેલા ચોફાળમાં લપેટવાનો નિશ્ચય કર્યો. હું ઊઠ્યો. ચોફાળ લીધો. ઠંડા પાણીમાં ઝબોળ્યો. નિચોવ્યો. તેમાં પગથી ડોક સુધી તેને લપેટ્યો. ઉપર બે ધાબળીઓ ઓઢાડી.માથા ઉપર ભીનો ટુવાલ મૂક્યો. તાવ લોઢી જેવો તપી રહ્યો હતો. શરીર તદ્દન સૂકું હતું. પસીનો આવતો નહોતો.

હું ખૂબ જ થાક્યો હતો. મણિલાલને તેની માને સોંપી હું અરધા કલાકને સારુ જવા હવા ખાઈ તાજો થવા ને શાંતિ મેળવવા ચોપાટી ઉપર ગયો. રાતના દશેક વાગ્યા હશે. માણસોની આવજા ઓછી થઇ ગઇ હતી. મને થોડું જ ભાન હતું. હું વિચારસાગરમાં ડૂકબી મારી રહ્યો હતો. હે ઈશ્વર ! આ ધર્મસંકટમાં તું મારી લાજ રાખજે. ‘રામ, રામ’નું રટણ તો મુખે હતું જ. થોડા આંટા મારી ધડકતી છાતીએ પાછો ફર્યો. જેવો ઘરમાં પેસું છું તેવો જ મણિલાલે પડકાર્યો: ‘બાપુ, તમે આવ્યા ?’

‘હા, ભાઈ.’

‘મને હવે આમાંથી કાઢોને. બળી મરું છું.’

‘કાં, પસીનો છૂટે છે શું ?’