પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનાજ નહોતું. પહેરવા-ઓઢવા કપડાં નહોતાં. ખાલી અને બંધ થઈ ગયેલી દુકાનો ભરવી અને ઊઘાડવી રહી. તે તો ધીમે ધીમે થાય. જેમ મલ ભરાતો જાય તેમ ઘરબાર છોડી ભાગી ગયેલા માણસોને આવવા દેવાય. આથી દરેક ટ્રાન્સવાલવાસીને પાસ લેવો પડતો. ગોરાઓને તો પરવાનો માગ્યો મળતો. હિંદીઓને મુસીબત હતી.

લડાઈ દરમ્યાન હિંદુસ્તાનથી અને લંકાથી ઘણા અમલદારોને સિપાહીઓ દક્ષિણ આફ્રિકામાં આવી પહોંચ્યા હતા. તેમાંના જેઓ ત્યાં જ વસવા માગતા હોય તેમને સારુ સગવડ કરી દેવાની બ્રિટિશ રાજ્યાધિકારીઓની ફરજ મનાઈ હતી. અમલદારોનું નવું મંડળ બનાવવાનું તો તેમને હતું જ. તેમાં આ અનુભવી અમલદારો સહેજે ખપ લાગ્યા. આ અમલદારોની તીવ્ર બુદ્ધિએ એક નવું જ ખાતું શોધી કાઢ્યું. તેમાં તેમની આવડત પણ વધારે તો ખરી જ! હબસીઓને લાગતું નોખું ખાતું તો હતું જ. ત્યારે એશિયા વાસીઓને સારુ કાં નહીં? દલીલ બરોબર ગણાઈ. આ નવું ખાતું, હું પહોંચ્યો ત્યારે, ખૂલી ચૂક્યું હતું, તે ધીમે ધીમે પોતાની જાળ પાથરી રહ્યું હતું. જે અમલદર ભાગેલાઓને પરવાના આપતા તે જ ભલે બધાને આપે. પણ એશિયાવાસીને તેને શી ખબર પડે? જો આ નવા ખાતાની ભલામણથી જ એને પરવાનો મળે તો પેલા અમલદારની જવાબદારી ઓછી થાય ને તેના કામનો બોજો પણ કંઈક ઘટે, એવી દલીલ થઈ. હકીકત તો એ હતી કે, નવા ખાતાને કંઈક કામની ને કંઈક દામની જરૂર હતી. કામ ન હોયતો આ ખાતાની જરૂરિયાત સિદ્ધ ન થાય ને છેવટે તે નીકળી જાય. એટલે આ કામ સહેજે જડ્યું.

આ ખાતાને હિંદી અરજી કરે. પછી ઘણે દિવસે જવાબ મળે. ટ્રાન્સવાલ જવા ઈચ્છનારા ઘણા, એટલે તેઅમ્ને સારુ દલાલો ઊભા થયા. આ દલાલો ને અમલદારો વચ્ચે ગરીબ હિંદીઓના હજારો રૂપિયા લૂંટાયા. મને કહેવામાં આવ્યું હતું કે વગ વિના પરવાનાની રજા મળતી જ નથી ને વગ છતામ્ કેટલીક વાર તો જણ દીથ સો સો પાઉંડ જેટલો ખર્ચ થાય છે. આમં મારો પત્તો ક્યાં લાગે?

હું મારા જૂના મિત્ર ડરબનના પોલીસ સુઓપરિન્ટેન્ડેન્ટને ત્યાં પહોંચ્યો ને તેમને કહ્યું, 'તમે અમરી ઓળખાન પરવાના અમલદારને આપો ને