પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બન્‍ને ઇસ્‍લામના પ્રયટ થયા પછી ખેડાયેલી છે, તેથી બન્‍ને વચ્‍ચે નિકટ સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્‍યાકરણનો સમાવેશ હિંદીમાં થાય છે. તેના શબ્‍દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિંદી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્‍કૃત જાણવું આવશ્‍યક છે.


૬. દુ:ખદ પ્રસંગ–૧

હું કહી ગયો કે હાઇસ્‍કુલમાં મને થોડા જ અંગત મિત્રો હતો જેને એવી મિત્રતાનું નામ આપી શકાય એવા બે મિત્રો જુદે જુદે વખતે મારે હતા એમ કહી શકાય. એક સંબંધ લાંબો ન ચાલ્‍યો, જોકે મેં તે મિત્રનો ત્‍યાગ નહીં કરેલો. બીજાનો સંગ મેં કર્યો તેથી પહેલાએ મને છોડયો. બીજો સંગ મારી જિંદગીનું દુઃખદ પ્રકરણ છે. એ સંગ ઘણાં વર્ષો સુધી ચાલ્‍યો. તે સંગ કરવામાં મારી સુધારક દષ્ટિ હતી. તે ભાઇની પ્રથમ મિત્રતા મારા વચેટ ભાઇની સાથે હતી. તે મારા ભાઇના વર્ગમાં હતા. તેનામાં કેટલાક દોષો હતા તે હું જોઇ શકતો હતો. પણ મેં તેનામાં વફાદારીનું આરોપણ કરેલું. મારા માતૃશ્રી, મારા જયેષ્‍ઠ ભાઇ અને મારી ધર્મપત્‍ની ત્રણેને એ સંગ કડવો લાગતો હતો. પત્‍નીની ચેતવણીને તો હું ગર્વિષ્‍ઠ ધણી શેનો ગણકારું ? માતાની આજ્ઞાનું ઉલ્‍લંઘન ન જ કરું. વડીલ ભાઇનું સાંભળું જ. પણ તેમને મેં આમ કહી શાંત કર્યા : ‘તેના દોષ જે તમે ગણાવો છો તે હું જાણું છું. તેના ગુણ તો તમે ન જ જાણો. મને તે આડે માર્ગે નહી લઇ જાય, કેમ કે મારો તેની સાથેનો સંબંધ કેવળ તેને સુધારવાને ખાતર છે. તે જો સુધરે તો બહુ સરસ માણસ નીવડે એમ મારી ખાતરી છે. તમે મારા વિશે નિર્ભય રહો એમ માગી લઉં છું. ’ આ બોલથી તેમને સંતોષ થયો એમ હું નથી માનતો, પણ તેઓએ મારા ઉપર વિશ્ર્વાસ રાખ્‍યો ને મને મારે માર્ગે જવા દીધો.

મારી ગણતરી બરાબર નહોતી એમ હું પાછળથી જોઇ શકયો. સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઇએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હોય નહીં. મિત્રતામાં અદ્વૈતભાવના