પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોય. એવી મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે મે અંગત મિત્રતા અનિષ્‍ટ છે, કેમ કે મનુષ્‍ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્‍યકતા છે. જેને આત્‍માની, ઇશ્ર્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે. ઉપરના વિચાર યોગ્‍ય હોય કે અયોગ્‍ય, મારો અંગત મિત્રતા કેળવવાનો પ્રસંગ નિષ્‍ફળ નીવડયો.

જયારે આ મિત્રના પ્રસંગમાં હું આવ્‍યો ત્‍યારે રાજકોટમાં ‘સુધારાપંથ’ પ્રવર્તતો હતો. ઘણા હિંદુ શિક્ષકો છૂપી રીતે માંસાહાર ને મદ્યપાન કરતા હતા એવા ખબર આ મિત્ર તરફથી મળ્યા. રાજકોટના બીજા જાણીતા ગૃહસ્‍થોનાં નામ પણ તેણે ગણાવ્‍યાં. હાઇસ્‍કૂલના કેટલાક વિદ્યાર્થીઓનાં નામ પણ મારી પાસે આવ્‍યાં. હું તો આશ્ર્ચર્ય પામ્‍યો ને દુઃખી પણ થયો. મેં કારણ પૂછયું ત્‍યારે આ દલીલ થઇ, ‘ આપણે માંસાહાર નથી કરતા તેથી આપણે નમાલી પ્રજા છીએ. અંગ્રેજો આપણા ઉપર રાજય ચલાવે છે તેનું કારણ તેમનો માંસાહાર છે. હું કેવો કઠણ છું કે કેટલું દોડી શકું છું એ તો તમે જાણો જ છો. એનું કારણ પણ મારો માંસાહાર જ છે. માંસાહારીને ગૂંમડાં થાય નહીં, થાય તો તેને ઝટ રૂઝ આવે. આપણા શિક્ષકો તે ખાય છે, આટલા નામાંકિત માણસો ખાય છે, તે કંઇ વગરસમજયે ખાય છે ? તમારે પણ ખાવું જોઇએ. ખાઈ જુઓ અને જોશો કે તમારામાં કેટલું જોર આવે છે.'

આ કંઇ એક દિવસમાં થયેલી દલીલ નથી. એવી દલીલો અનેક દાખલાઓથી શણગારાયેલી ઘણી વાર થઇ. મારા વચેટ ભાઇ તો અભડાઇ ચુકયા હતા. તેમણે આ દલીલમાં પોતાની સંમતી આપી. મારા ભાઇના પ્રમાણમાં ને આ મિત્રના પ્રમાણમાં હું તો માયકાંગલો હતો. તેમનાં શરીર વધારે સ્‍નાયુબદ્ધ હતાં, તેમનું શરીરબળ મારા કરતાં ઘણું વધારે હતું. તેઓ હિમતવાન હતા. આ મિત્રનાં પરાક્રમો મને મુગ્‍ધ કરતાં. તે ગમે તેટલું દોડી શકતા. તેમની ઝડપ તો બહુ સરસ હતી. લાંબુ ને ઊંચું