પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રમાણપત્ર ટાંકીને હું આ પ્રકરણ પૂરું કરું છું. ગોખલેએ મારા બધા સાથીઓનો પરિચય કર્યો હતો. તે પરિચય કરીને તેમને ઘણાને વિષે બહિ સંતોષ થયો હતો. તેમને બધાંના ચારિત્રના આંક મૂકવાનો શોખ હતો. બધા હિંદી અને યુરોપિયન સાથીઓમાં મિસ શ્લેશિનને તેમણે પ્રધાનપદ આપ્યું હતું. ’આટલો ત્યાગ, આટલી પવિત્રતા, આટલી નિર્ભયતા અને આટલી કુશળતા મેં થોડામાં જોઈ છે. મારી નજરે તો મિસ શ્લેશિન તારા સાથીઓમાં પ્રથમપદ ભોગવે છે.’


૧૩. ‘ઇંડિયન ઓપીનિયન’

હજુ બીજા યુરોપિયન ગાઢ પરિચયો આપવાના રહે છે, પણ તે પહેલાં બે ત્રણ અગત્યની વસ્તુઓની નોંધ લેવાની આવશ્યકતા છે.

એક પરિચય હમણાં આપી દઊં. મિસ ડિકને દાખલ કર્યેથી જ મારું કામ હું પૂરું કરી શકું તેમ નહોતું. મિ. રીચને વિષે હું અગાઉ લખી ચૂક્યો છું. તેમની સાથે તો મને સારો પરિચય હતો જ. તે વેપારી પેઢીમાં સંચાલક હતા. ત્યાંથી છૂટી મારી નીચે આર્ટિકલ લેવાની મેં સૂચના કરી. તે તેમને ગમી, ને ઑફિસમાં દાખલ થયા. મારા ઉપરથી કામનો બોજો હળવો થયો.

આ અરસામાં જ શ્રી મદનજિતે 'ઇંડિયન ઓપીનિયન' છાપું કાઢવાનો વિચાર કર્યો. મારી સલાહ ને મદદ માગ્યાં. છાપખાનું તો તે ચલાવતા જ હતા.છાપું કાઢવાના વિચારમાં હું સંમત થયો. આ છાપાની ઉત્પતિ ૧૯૦૪માં થઈ. મનસુખલાલ નાજર અધિપતિ થયા. પણ અધિપતિપણાનો ખરો બોજો મારા ઉપર જ પડ્યો. મારે નસીબે ઘણે ભાગે હમેશ દૂરથી જ છાપાનું તંત્ર ચલાવવાનું આવ્યું છે.

મનસુખલાલ નાજર તંત્રીપણું ન કરી શકે એવું કાંઈ નહોતું. તેમણે તો દેશનાં ઘણાં છાપાં ને સારુ લખાણો કર્યા હતાં. પણ દક્ષિણ આફ્રિકાના અટપટા પ્રશ્નો ઉપર મારી હાજરી છતે સ્વતંત્ર લેખો લખવાની તેમણે હિમત જ ન કરી.મારી વિવેકશક્તિ ઉપર તેમનો અતિશય વિશ્વાસ હતો. એટલે જે જે વિષયો ઉપર લખવાપણું હોય તે ઉપર લખી મોકલવાનો બોજો મારા પર ઢોળતા.