પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લોભ મ્યુનિસિપાલિટીએ ન કર્યો. આ જ અરસામાં ને તે જ કારણને સારુ મ્યુનિસિપાલિટીએ પોતાની મારકેટનું લક્કડકામ પણ બધું બાળી નાંખી દ્સેક હજાર પાઉંડનું નુકશાન માથે લીધું. મારકેટમાંથી મૂએલા ઉંદર જડ્યા હતા તેથી આ આકરું પગલું ભરવામાં આવ્યું હતું. મોટું ખર્ચ તો થયું, પણ પરિણામ એ આવ્યું કે મરકી આગળ વધવા ન જ પામી. શહેર નિર્ભય થયું.


૧૮. એક પુસ્તકની જાદુઈ અસર

મરકીએ ગરીબ હિંદીઓ ઉપરનો મારો કાબૂ, મારો ધંધો ને મારી જવાબદારી વધાર્યા. વળી યુરોપિયનોમાં મારી વધતી જતી કેટલીક ઓળખાણો પણ એવી નિકટ થતી ગઈ કે તેથીયે મારી નૈતિક જવાબદારી વધવા માંડી.

જેમ વેસ્ટની ઓળખાણ મને નિરામિષાહારી ભોજનગૃહમાં થઈ તેમ પોલાકને વિષે બન્યું. એક દિવસે હું જે ટેબલે બેઠો હતો ત્યાંથી દૂરના ટેબલે એક નવજુવાન જમતા હતા. તેમણે મને મળવાની ઈચ્છાથી પોતાનું નામ મોકલ્યું. મેં તેમને મારા ટેબલ ઉપર આવવા નોતર્યા. તે આવ્યા.

"હું 'ક્રિટિક' નો ઉપતંત્રી છું. તમારો મરકી વિષેનો કાગળ વાંચ્યા પછી તમને મળવાની મને બહુ ઈચ્છા થઈ. આજે હું એ તક મેળવું છું."

મિ. પોલાકની નિખાલસતાથી હું તેમની તરફ ખેંચાયો. તે જ રાતે અમે એકબીજાને ઓળખતા થઈ ગયા, અને જિંદગી વિષેના અમારા વિચારોમાં અમને બહુ સામ્ય નજરે આવ્યુ. સાદી જિંદગી તેમને પસંદ હતી. અમુક વસ્તુને બુદ્ધિ ક્બૂલ કરે એટલે પછી તેનો અમલ કરવાની તેમની શક્તિ આશ્ચર્ય પમાડનારી લાગી. પોતાની જિંદગીમાં કેટલાક ફેરફારો તો તેમણે એકદમ કરી દીધા.

'ઈંડિયન ઓપીનિયન' નું ખર્ચ વધતું જતું હતું. વેસ્ટનો પહેલો જ રિપોર્ટ મને ભડકાવનારો હતો. તેમણે લખ્યું : 'તમે કહ્યો હતો તેવો નફો આ કામમાં નથી. હું તો ખોટ જોઉં છું. ચોપડાઓની અવ્યવસ્થા છે. ઉઘરાણી ઘણી છે, પણ તે મોંમાથા વિનાની છે. ઘણા ફેરફારો કરવા પડશે. પણ આ રિપોર્ટથી તમારે ગભરાવાનું નથી. મારાથી બનતી વ્યવસ્થા