પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું કરીશ. નફો નથી તેટલા સારુ હું આ કામ છોડું તેમ નથી.'

નફો ન જોવાથી કામને છોડવા ધારત તો વેસ્ટ છોડી શકત, ને તેમને હું કોઈ પ્રકારનો દોષ ન દઈ શકત. એટલું જ નહીં પણ, વગર તપાસે નફાવાળું કામ છે એવું કહેવાનો દોષ મારા પર મૂકવાનો તેમને અધિકાર હતો. આમ છતાં તેમણે મને કદી કડવું વેણ સરખું નથી સંભળાવ્યું. પણ હું માનું છું કે, આ નવી જાણથી વેસ્ટની નજરમાં હું ઉતાવળે વિશ્વાસ કરનારમાં ખપવા લાગ્યો હોઈશ. મદનજિતની માન્યતા વિષે તપાસ કર્યા વિના તેમના કહ્યા ઉપર વિશ્વાસ રાખીને મેં વેસ્ટને નફાની વાત કરેલી. મને લાગે છે કે, જાહેર કામ કરનારે આવો વિશ્વાસ ન રાખતાં જેની જાતે તપાસ કરી હોય એવી જ વસ્તુ કહેવી જોઈએ. સત્યના પૂજારીએ તો ઘણી સાવધાની રાખવી જોઈએ. કોઈના મન ઉપર ખરી ખાતરી વિના વધારે પડતી અસર પાડવી એ પણ સત્યને ઝાંખપ પહોંચાડનારી વસ્તુ છે. મને કહેતાં દુ:ખ થાય છે કે, આ વસ્તુ જાણતા છતાં ઉતાવળે વિશ્વાસ મૂકીને કામ લેવાની મારી પ્રકૃતિને હું છેક સુધારી શક્યો નથી. તેમાં હું ગજા ઉપરાંત કામ કરવાના લોભનો દોષ જોઉં છું એ લોભથી મારે અકળાવું પડ્યું છે તેના કરતાં મારા સાથીઓને બહુ વધારે અકળાવું પડ્યું છે.

વેસ્ટનો આવો કાગળ આવવાથી હું નાતલ જવા ઊપડ્યો. પોલાક તો મારી બધી વાતો જાણતા થઈ જ ગયા હતા. મને મૂકવા સ્ટેશન ઉપર આવેલા, ને 'આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે. તે વાંચી જજો. તમને ગમશે,' એમ કહી તેમણે રસ્કિનનું 'અન ટુ ધિસ લાસ્ટ' મારા હાથમાં મૂક્યું.

આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહાનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઈરાદો કર્યો.

આ પહેલાં રસ્કિનનું એક પણ પુસ્તક મેં વાંચ્યું નહોતું. વિધાભ્યાસના કાળમાં પાઠયપુસ્તકો બહાર મારું વાચન નહીં જેવું જ ગણાય. કર્મભૂમિમાં પ્રવેશ કર્યો પછી સમય ઘણો થોડો બચે. એટલે આજ લગી પણ એમ