પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે ન લેતાં શરીર પડે તો પડવા દેવામાં ધર્મ છે એમ મને તો લાગે છે.'

'આ તમારો છેવટનો નિર્ણય છે ?' ગોખલી પૂછ્યું.

'મને લાગે છે કે હું બીજો જવાબ નહીં આપી શકું. હું જાણું છું કે તમને આથી દુ:ખ થશે. પણ મને ક્ષમા કરજો,' મેં જવાબ આપ્યો.

ગોખલી કંઈક દુ:ખથી પણ અતિ પ્રેમથી કહ્યું: 'તમારો નિશ્ચય મને ગમતો નથી. એમાં હું ધર્મ નથી જોતો. પણ હવે હું આગ્રહ નહીં કરું'. એમ બોલી જીવરાજ મહેતા ભણી વળીને તેમને કહ્યું: 'હવે ગાંધીને ન પજવજો. તે કહે છે તે મર્યાદામાં તેમને જે દઈ શકાય તે દેજો.'

દાક્તરે નાખુશી બતાવી પણ લાચાર થયા. મને મગનું પાણી લેવાની સલાહ આપી. તેમાં હિંગનો વઘાર નાખવાનું સૂચવ્યું. મેં તેમ કરવાની હા પાડી. એકબે દિવસ તે ખોરાક લીધો. મને તો તેથી પીડા વધી. મને તે માફક ન આવ્યો. તેથી હું પાછો ફળાહાર ઉપર ગયો. દાક્તરે બહારના ઉપચારો તો કર્યા જ. તેથી થોડી શાંતિ થતી. પણ મારી મર્યાદાઓથી તે બહુ અકળાતા. દરમિયાન ગોખલે લંડનનું ઑક્ટોબર-નવેમ્બરનું ધૂમસ સહન નકરી શકે તેથી દેશ જવા રવાના થયા.


૪૨. દર્દને સારુ શું કર્યું ?

પાંસળીનો દુખાવો નહોતો મટતો તેથી હું ગભરાયો. દવાના ઉપચારથી નહીં પણ ખોરાકના ફેરફારથી અને કંઈ બાહ્ય ઉપચારથી દર્દ જવું જ જોઈએ એટલું હું જાણતો હતો.

સને ૧૮૯૦માં અન્નાહારી અને ખોરાકના ફેરફારથી દર્દોનો ઇલાજ કરનાર દાક્તર ઍલિન્સનને હું મળ્યો હતો. તેમને મેં બોલાવ્યા. તે આવ્યા. તેમેને શરીર બતાવ્યું, ને દૂધના મારા વિરોધની વાત કરી. તેમણે મને તુરત દિલાસો દીધો, ને કહ્યું: 'દૂધની કશી જરૂર નથી. ને મારે તો તમને થોડા દહાડા કશી જ ચરબી વિના જ રાખવા છે.' એમ કહી પ્રથમ તો મને કેવળ સૂકી રોટી અને કાચાં શાકો ઉપર ને ફળો ઉપર રહેવા કહ્યું. કાચાં શાકમાં મૂળા, પ્યાજ અને એવાં મૂળિયાં તથા લીલોતરી, અને મેવામાં મુખ્યત્વે નારંગી. શાકોને ખમણીને કે વાટીને ખાવાનાં હતાં. મેં આમ ત્રણેક દિવસ ચલાવ્યું, પણ કાચાં શાકો બહુ ફાવ્યાં નહીં. આ