પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૯. પિતાજીનું મૃત્‍યુ ને મારી નામોશી

સમય મારા સોળમા વર્ષનો છે. આપણે આગળ જોઇ ગયા કે પિતાજી ભગંદરની બીમારીથી તદ્દન ખાટલાવશ હતા. તેમની ચાકરીમાં માકૃશ્રી, ઘરનો એક જૂનો નોકર અને હું ઘણે ભાગે રહેતાં. મારું કામ ‘નર્સ’નું હતું. એમનો ઘા ધોવો, તેમાં દવા નાખવી, મલમ લગાડવાના હોય ત્‍યારે લગાડવા, તેમને દવા આપવી અને જયારે ઘેર દવા તૈયાર કરવાની હોય ત્‍યારે તે તૈયાર કરવી, એ મારું ખાસ કામ હતું. રાત્રિએ હંમેશા તેમના પગ ચાપવા અને રજા આપે ત્‍યારે અથવા તો ઊંઘી ગયા હોય ત્‍યારે મારે સૂઇ જવું એવો નિયમ હતો. મને આ સેવા અતિશય પ્રિય હતી. કોઇ દિવસ તેમાંથી હું ચૂકયો હોઉં એવું મને સ્‍મરણ નથી. આ દિવસો હાઇસ્‍કૂલના તો હતા જ, એટલે મારો ખાવાપીવાનો બચતો વખત નિશાળમાં અથવા તો પિતાજીની સેવામાં જ જતો, એમની આજ્ઞા મળે અને એમની તબિયતને અનુકૂળ હોય ત્‍યારે સાંજના ફરવા જતો.

આ જ વર્ષે પત્‍ની ગર્ભવતી થઇ. એમાં બેવડી શરમ સમાયેલી આજે હું જોઇ શકું છું. એક તો એ કે વિદ્યાભ્યાસનો આ કાળ હોવા છતાં મેં સંયમ ન જાળવ્‍યો, અને બીજી એ કે જોકે નિશાળનો અભ્‍યાસ કરવાનો ધર્મ હું સમજતો હતો અને તેથીયે વધારે માતપિતાની ભકિતનો ધર્મ સમજતો હતો, - તે એટલે સુધી કે એ બાબતમાં બાલ્યાવસ્‍થાની જ શ્રવણ મારો આદર્શ થઇ રહ્યો હતો, - તે છતાં વિષય મારા ઉપર સવાર થઇ શકતો હતો. એટલે કે, દરેક રાત્રિએ જોકે હું પિતાજી ને પગચંપી તો કરતો છતાં સાથે સાથે મન શયનગૃહ તરફ દોડયા કરતું, અને તે પણ એવે સમયે કે જયારે સ્‍ત્રીનો સંગ ધર્મશાસ્‍ત્ર, વૈદકશાસ્‍ત્ર અને વ્‍યવહારશાસ્‍ત્ર પ્રમાણે ત્‍યાજય હતો. જયારે મને સેવામાંથી છૂટી મળતી ત્‍યારે હું રાજી થતો અને પિતાશ્રી ને પગે લાગીને સીધો શયનગૃહમાં ચાલ્‍યો જતો.

પિતાજીની માંદગી વધતી જતી હતી. વૈદ્યોએ પોતાના લેપ અજમાવ્‍યા, હકીમોએ મલમપટ્ટીઓ અજમાવી, સામાન્‍ય હજામાદિની ઘરગથ્‍થુ દવાઓ પણ કરી; અંગ્રેજ દાકતરે પણ પોતાની અક્કલ અજમાવી. અંગ્રેજ દાકતરે શસ્‍ત્રક્રિયા એ જ ઇલાજ છે એમ સૂચવ્‍યું. કુટુંબના મિત્ર વૈદ્ય વચમાં આવ્‍યા