પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું લખી ગયો તેણે કમાડ ઠોકયું. મને ફાળ પડી. હું ચમકયો. ‘ઊઠ, બાપુ બહુ બિમાર છે, ’ એમ નોકરે કહ્યું. બહુ બીમાર તો હતા જ એ હું જાણતો હતો, એટલે અહીં ‘બહુ બીમાર’ નો વિશેષ અર્થ હું સમજી ગયો. બિછાનામાંથી એકદમ કૂદી પડયો.

‘શું છે કહે તો ખરો ? ’

‘બાપુ ગુજરી ગયા ! ’ જવાબ મળ્યો.

હવે હું પશ્ર્ચાતાપ કરું એ શું કામ આવે ? હું બહુ શરમાયો, બહુ દુઃખી થયો. પિતાશ્રીની ઓરડીમાં દોડી ગયો. હું સમજયો કે જો હું વિષયાંધ ન હોત તો આ છેવટની ઘડીએ મારે નસીબે વિયોગ ન હોત, અને હું પિતાજીની અંતની ઘડીએ પગચંપી કરતો હોત. હવે તો મારે કાકાશ્રીને મુખથી જ સાંભળવું રહ્યું : ‘બાપુ તો આપણને મૂકીને ચાલ્‍યા ગયા. ’ પોતાના વડીલ ભાઇના પરમ ભકત કાકા છેવટની સેવાનું માન લઇ ગયા. પિતાશ્રીને પોતાના અવસાનની આગાહી થઇ ચૂકી હતી. તેમણે સાન કરીને લખવાની સામગ્રી માગેલી. કાગળમાં તેમણે લખ્‍યું : ‘તૈયારી કરો. ’ આટલું લખીને પોતાને હાથે માદળિયું બાંધેલું હતું તે તોડીને ફેકયું. સોનાની કંઠી હતી તે પણ તોડીને ફેંકી. એક ક્ષણમાં આત્‍મા ઊડી ગયો.

મારી જે શરમનો ઇશારો મેં આગલા પ્રકરણમાં કરેલો છે તે આ શરમ, - સેવાને સમયે પણ વિષયેચ્‍છા. એ કાળો ડાઘ હું આજ સુધી ઘસી શકયો નથી, ભૂલી શકયો નથી. અને મેં હંમેશાં માન્‍યું છે કે જોકે માતપિતા પ્રત્‍યેની મારી ભકિત પાર વિનાની હતી, તેને સારું હું બધું છોડી શકતો, પણ તે સેવાને સમયે સુધ્‍ધાં મારું મન વિષયને છોડી શકતું નહોતું એ, તે સેવામાં રહેલી અક્ષમ્‍ય ઊણપ હતી. તેથી જ મેં મને એકપત્‍નીવ્રતનો પાળનાર માનવા છતાં વિષયાંધ માનેલો છે. એમાંથી છૂટતાં મને ઘણો સમય ગયો, અને છૂટતા પહેલાં ઘણાં ધર્મસંકટો વેઠવા પડયાં.

આ મારી બેવડી શરમનું પ્રકરણ પૂરું કરતાં પહેલાં એ પણ કહી જાઉં કે પત્‍નીને જે બાળક અવતર્યું તે બે કે ચાર દિવસ શ્ર્વાસ લઇને ચાલ્‍યું ગયું. બીજું પરિણામ શું હોઇ શકે ? જે માબાપોને અથવા તો જે બાલદંપતીને ચેતવું હોય તે આ દષ્‍ટાંતથી ચેતો.