પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૦. ધર્મની ઝાંખી

કે સાત વર્ષાથી માંડીને હવે સોળ વર્ષનો થયો ત્‍યાં સુધી અભ્‍યાસ કર્યો, પણ કયાંયે ધર્મનું શિક્ષણ નિશાળમાં ન પામ્‍યો. શિક્ષકો પાસેથી સહેજે મળવું જોઇએ તે ન મળ્યું એમ કહેવાય. એમ છતાં વાતાવરણમાંથી કંઇક ને કંઇક તો મળ્યા જ કર્યું. અહીં ધર્મનો ઉદાર અર્થ કરવો જોઇએ. ધર્મ એટલે આત્‍મભાન, આત્‍મજ્ઞાન.

મારો જન્‍મ વૈષ્‍ણવ સંપ્રદાયમાં, એટલે હવેલીમાં જવાનું વખતોવખત બને. પણ તેને વિશે શ્રદ્ધા ઉત્‍પન્‍ન ન થઇ. હવેલીનો વૈભવ મને ન ગમ્‍યો. હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેને વિશે મન ઉદાસ થઇ ગયું. ત્‍યાંથી મને કંઇ જ ન મળ્યું.

પણ જે હવેલીમાંથી ન મળ્યું તે મારી દાઇ પાસેથી મળ્યું. તે કુટુંબની જૂની નોકર હતી. તેનો પ્રેમ મને આજે પણ યાદ છે. હું આગળ જણાવી ગયો છું કે હું ભુતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્‍યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જાપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટકયો. પણ જે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોદ્ય શકિત છે, તેનું કારણ હું રંભાબાઇએ રોપેલું બીજ ગણું છું.

આ જ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભકત હતા તેમણે અમ બે ભાઇઓને સારુ રામરક્ષાનો પાઠ શીખવવાનો પ્રબંધ કર્યો. અમે તો મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્‍નાન પછી હંમેશાં પઢી જવાનો નિયમ કર્યો. પોરબંદરમાં રહ્યા ત્‍યાં લગી તો આ નભ્‍યું. રાજકોટના વાતાવરણમાં તે ભૂંસાઇ ગયું. આ ક્રિયા વિશે પણ ખાસ શ્રદ્ધા નહોતી. પેલા વડીલ ભાઇના પ્રત્‍યે માન હતું તેથી અને કંઇક રામરક્ષા શુદ્ધ ઉચ્‍ચારથી પઢી જવાય છે એ અભિમાનથી તેનો પાઠ થતો.

પણ જે વસ્‍તુએ મારા મન ઉપર ઊંડી છાપ પાડી તે તો રામાયણનું પારાયણ હતી. પિતાશ્રીની માંદગીનો કેટલોક સમય પોરબંદરમાં ગયેલો. અહીં તેઓ રામજીના મંદિરમાં રોજ રાત્રે રામાયણ સાંભળતા.