પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લેનાર શ્રી જીવણલાલ બારિસ્ટર હતા, તેમનું કોચરબમાં આવેલ મકાન ભાડે લેવાનું ઠર્યું.

આશ્રમનું શું નામ રાખવું એ પ્રશ્ન તુરત ઊઠ્યો. મિત્રોની સાથે મસલત કરી. કેટલાંક નામો મળ્યાં. સેવાશ્રમ, તપોવન, વગેરે સૂચવાયાં હતાં. સેવાશ્રમ નામ ગમતું હતું. પણ તેમાં સેવાની રીતની ઓળખ નહોતી થતી. તપોવન નામ પસંદ ન જ કરાય, કેમ કે જોકે તપશ્ચર્યા પ્રિય હતી છતાં એ નામ ભારે પડતું લાગ્યું. અમારે તો સત્યની પૂજા, સત્યની શોધ કરવી હતી, તેનો જ આગ્રહ રાખવો હતો, અને દક્ષિણ આફ્રિકામાં જે પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો હતો તેની ઓળખ ભારતવર્ષમાં કરાવવી હતી, અને તેની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે તે જોવું હતું. તેથી મેં અને સાથીઓએ સત્યાગ્રહાશ્રમ નામ પસંદ કર્યું. તેમાં સેવાનો અને સેવાની પદ્ધતિનો ભાવ સહેજે આવી જતો હતો.

આશ્રમને ચલાવવાને સારુ નિયામાવલિની આવશ્યકતા હતી. તેથી નિયમાવલિ ઘડીને તેની ઉપર અભિપ્રાયો માગ્યા. ઘણા અભિપ્રાયોમાં સર ગુરુદાસ બેનરજીએ આપેલો અભિપ્રાય મને યાદ રહી ગયો છે. તેમને નિયમાવલિ ગમી, પણ તેમણે સૂચના કરી કે વ્રતોમાં નમ્રતા વ્રતને સ્થાન આપવું જોઇએ. આપણા યુવકવર્ગમાં નમ્રતાના વ્રતની ઊણપ છે એમ તેમના કાગળનો ધ્વનિ હતો. જોકે નમ્રતાનો અભાવ હું ઠેકઠેકાણે અનુભવતો હતો, છતાં નમ્રતાને વ્રતમાં સ્થાન દેવાથી નમ્રતા નમ્રતા મટી જવાનો આભાસ આવતો હતો. નમ્રતાનો પૂરો અર્થ તો શૂન્યતા છે. શૂન્યતાને પહોંચવાને અર્થે બીજાં વ્રતો હોય. શૂન્યતા એ મોક્ષની સ્થિતિ. મુમુક્ષુ કે સેવકના પ્રત્યેક કાર્યમાં જો નમ્રતા-નિરભિમાનતા ન હોય તો તે મુમુક્ષુ નથી, સેવક નથી. તે સ્વાર્થી છે, અહંકારી છે.

આશ્રમમાં આ વખતે લગભગ તેર તામિલ હતા. મારી સાથે દક્ષિણ આફ્રિકાથી પાંચ તામિલ બાળકો આવ્યા હતા, ને બીજાં અહીંથી લગભગ પચીસ સ્ત્રીપુરુષોથી આશ્રમનો આરંભ થયો હતો. બધાં એક રસોડે જમતાં હતાં, ને એક જ કુટુંબ હોય એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરતાં હતાં