પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તરફથી થોડીઘણી મદદ કરે.'

મને આ બધું ગમ્યું. હું પોરબંદર જવા તૈયાર થયો. ૫તે કાળે રેલ નહોતી, ગાડા માર્ગ હતો. પાંચ દિવસ નો રસ્તો. હું જાતે બીકણ હતો એ તો કહી ગયો છું. પણ આવેળા મારી બીક નાસી ગઈ. વિલાયત જવાની ઈચ્છાએ મારા ઉપર સવારી કરી. મેં ધોરાજી સુધીનું ગાડું કર્યું. ધોરાજીથી એક દિવસ વહેલા પહોંચવાના ઈરાદાથી ઊંટ કર્યો. ઊંટની સવારીનો પણ આ પહેલો અનુભવ હતો.

પોરબંદર પહોંચ્યો. કાકાને સાષ્ટાંગ પ્રણામ કર્યા. બધી વાત સંભળાવી. તેમણે વિચારકરી જવાબ આપ્યો:

'વિલાયત જતાં આપણે ધર્મ સાચવી શકીએ કે નહીં એ હું નથી જાણતો. બધી વાતો સાંભળતાં તો મને શંકા આવે છે. જોને, મોટા બારિસ્ટરોને મારે મળવાનું થાય છે ત્યારે હું તો તેમની રહેણીમાં ને સાહેબોને રહેણીમાં કંઈ ભેદ નથી જોતો. તેમને ખાવા પીવાનો કશો બાધ હોતો નથી. સિગાર તો મોઢામાંથી નીકળે જ નહીં. પહેરવેશ જુઓ તો પણ નાગો. એ બધું આપણા કુટુંબને ન છાજે. પણ હું તારા સાહસમાં વિધ્ન નાખવા નથી માગતો. હું તો થોડા દિવસમાં જાત્રાએ જવાનો છું. મારે હવે થોડાં વર્ષ જીવવાના હશે. કાંઠે આવેલો હું તને વિલાયત જવાની - દરિયો ઓળંગવાની - રજા તો કેમ આપું? પણ હું વચમાં નહીં આવું. ખરી રજા તારી બાની. જો તે તને રજા આપે તો તું સુખેથી જજે. હું તને રોકવાનો નથી એટલું કહેજે. મારી આશિષ તો તને છે જ.'

'આથી વધારાની આશા તમારી પાસેથી ન જ રખાય. મારે હવે મારી બાને રાજી કરવાની રહી. પણ લેલી સાહેબ ઉપર ભલામણ તો મને આપશો ના?' હું બોલ્યો.

કાકાશ્રી બોલ્યાં: એ એ તો મારાથી કેમ થાય ? પણ સાહેબ ભલ છે, તું ચિઠ્ઠી લખ. કુટુંબની ઓળખાણ આપજે એટલે જરૂર તને મળવાનો વખત આપશે ને તેમને રુચશે તો મદદ પણ કરશે.'

મને ખ્યાલ નથી કે કાકાએ સાહેબની ઉપર ભલામણ કેમ ન આપી. મારું ઝાંખું સ્મરણ એવું છે કે વિલાયત જવાના ધર્મવિરુદ્ધ કાર્યમાં એટલી સીધી મદદ આપતાં તેમને સંકોચ થયો.