પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પુસ્તકો છપાવવા વેચવા બાબત હતી. આવાં બે પુસ્તકો મારાં જ હતાં: હિંદ સ્વરાજ અને સર્વોદય. આ પુસ્તકો છપાવવાં વેચવાં સહુથી સહેલો સવિનય ભંગ લાગ્યો. તેથી એ છપાવ્યાં ને સાંજનો ઉપવાસ છૂટ્યા પછી ને ચોપાટીની જંગી સભા વિસર્જન થયા પછી વેચવાનો પ્રબંધ થયો.

સાંજના ઘણા સ્વયંસેવકો આ પુસ્તકો વેચવા નીકળી પડ્યા. એક મોટરમાં હું નીકળ્યો ને એકમાં શ્રી સરોજિની નાયડુ નીકળ્યાં. જેટલી નકલો છપાવી હતી તેટલી ખપી ગઈ. આની કિંમત વસૂલ થાય તે લડતના ખર્ચમાં જ વાપરવાની હતી. દરેક નકલની કિંમત ચાર આના રાખવામાં આવી હતી. પણ મારા હાથમાં કે સરોજિની દેવીના હાથમાં ભાગ્યે કોઈએ ચાર આના મૂક્યા હોય. પોતાના ખીસામાં જે હોય તે ઠલવીને નકલો લેનારા ઘણા નીકળી પડ્યા. કોઈ દશ રૂપિયાની ને કોઈ પાંચની નોટ પણ આપતા. રૂપિયા ૫૦ની નોટ સુધી પણ એક નકલના મળ્યાનું મને સ્મરણ છે. લોકોને સમજાવવામાં આવ્યું હતું કે, લેનારને પણ જેલનું જોખમ છે. પણ ઘડીભર લોકોએ જેલનો ભય છોડ્યો હતો.

સાતમી તારીખે માલૂમ પડ્યું કે, જે ચોપડીઓ વેચવાનો સરકારે પ્રતિબંધ કર્યો હતો તે સરકારની દ્રષ્ટિએ વેચાઈ ન ગણાય. જે વેચાઈ તે તો તેની બીજી આવૃતિ ગણાય. જપ્ત થયેલી ચોપડીઓમાંની તે ન ગણાય. એટલે આ નવી આવૃતિ છાપવા, વેચવા, ખરીદવામાં કંઈ ગુનો ન ગણાય એમ સરકાર તરફથી કહેવામાં આવ્યું. આ ખબર સાંભળી લોકો નિરાશ થયા.

આ તારીખે ચોપાટી ઉપર સવારે સ્વદેશી વ્રતને સારુ ને હિંદુમુસ્લિમ વ્રતને સારુ લોકોને એકઠા થવાનું હતું. વિઠ્ઠલદાસ જેરાજાણીનો આ પહેલો અનુભવ થયો કે, ઊજળું એટલું દૂધ નથી. લોકો ઘણા ઓછા ભેળા થયા. આમાં બેચાર બહેનોનાં નામ મારી આગળ તરી આવે છે. પુરુષો પણ થોડા હતા. મેં વ્રત ઘડી રાખ્યાં હતાં. એનો અર્થ હાજર રહેલાંને ખૂબ સમજાવી તેમને લેવા દીધાં. થોડી હાજરીથી મને આશ્ચર્ય ન થયું, દુ:ખ પણ ન થયું. પણ ધાંધલિયા કામની વચ્ચે ને ધીમા રચનાત્મક કામની વચ્ચેનો ભેદ અને પહેલાનો પક્ષપાત અને બીજાનો અણગમો ત્યારથી હું અનુભવતો આવ્યો છું.