પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિચારો છૂટથી પ્રગટ કરી શક્યો: જેઓ સલાહસૂચના માટે મારા તરફ જોઈ રહ્યા હતા તેમને આશ્વાસન આપી શક્યો. ને મને લાગે છે કે, બંને છાપાંએ તે અણીને સમયે પ્રજાની ઠીક સેવા કરી અને લશ્કરી કાયદા જુલમને હળવો કરવામાં ફાળો ભર્યો.

૩૫. પંજાબમાં

પંજાબમાં જે કંઈ થયું તેને સારુ સર માઈકલ ઓડવાયરે મને ગુનેગાર ઠરાવ્યો હતો, તો ત્યાંના કોઇ નવજવાનો લશ્કરી કાનૂનને સારુ પણ મને ગુનેગાર ઠરાવતાં અચકાતા નહોતા. મેં જો સવિનય કાનૂનભંગ મુલતવી ન રાખ્યો હોત તો જલિયાંવાલા બાગની કતલ કદી ન થાત, લશ્કરી કાયદો કદી ન થાત, એવી દલીલ આવા ક્રોધાવેશમાં આવેલા નવજવાનોની હતી. કોઈએ તો ધમકીઓ પણ આપી હતી કે, પંજાબમાં હું જાઉં તો મને લોકો ઠાર માર્યા વિના ન જ છોડે.

પણ મને લાગતું હતું કે, મારું પગલું એટલું બધું યોગ્ય હતું કે સમજુ માણસોમાં ગેરસમજ થવાનો સંભવ જ નથી. પંજાબમાં જવા હું અધીરો થઇ રહ્યો હતો. મેં પંજાબ કદી જોયું નહોતું. પણ મારી નજરે જે કંઈ જોવાનું મળે તે જોવાની તીવ્ર ઈચ્છા હતી, અને મને બોલાવનારા ડૉ. સત્યપાલ, ડૉ. કિચલુ, પં. રામભજદત્ત ચોધરીને જોવા ઇચ્છતો હતો. તેઓ જેલમાં હતા, પણ મને પૂર્ણ વિશ્વાસ હતો કે, તેમને સરકાર જેલમાં લાંબી મુદત નહીં જ રાખી શકે. મુંબઈમાં જ્યારે જ્યારે જતો ત્યારે મને પુષ્કળ પંજાબીઓ મળી જતા. તેમને હું પ્રોત્સાહન આપતો તે લઈ જઈ તેઓ રાજી થતા. મારો આત્મવિશ્વાસ એ વેળા પુષ્ળક હતો.

પણ મારું જવાનું લંબાયા કરતું હતું. વાઇસરૉય 'હજુ વાર છે' એમ લખાવ્યા કરતા હતા.

દરમ્યાન હંટર કમિટી આવી. તેને લશ્કરી કાયદા દરમ્યાન પંજાબના અમલદારોએ કરેલાં કૃત્યો વિષે તપાસ કરવાની હતી. દિનબંધુ ઍન્ડ્રઝ ત્યાં પહોંચી ગયા હતા. તેમના કાગળોમાં હ્યદયદ્રાવક વર્ણનો હતાં. છાપામાં જે છપાતું તેના કરતાં પણ લશ્કરી કાયદાનો જુલમ વધારે હતો, એવો તેમના કાગળનો ધ્વનિ હતો. મને પંજાબમાં પહોંચવાનો આગ્રહ હતો.