પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મતલબ મારે તૂટીફૂટી હિંદીમાં સમજાવવાની હતી. એ કામ હું સારી રીતે કરી શક્યો. હિંદી-ઉર્દૂ જ રાષ્ટ્રભાષા બને એનો આ સભા પ્રત્યક્ષ પુરાવો હતી. જો મેં અંગ્રેજીમાં ભાષણ કર્યું હોત તો મારું ગાડું આગળ ચાલત નહીં; અને મૌલાના સાહેબે જે હાકલ કરી તે કરવાનો વખત ન આવ્યો હોત, અને આવત તો મને જવાબ આવડત નહીં.

ઉર્દૂ કે ગુજરાતી શબ્દ હાથ ન આવ્યો તેથી શરમાયો, પણ જવાબ આપ્યો. મને 'નૉન-કોઑપરેશન' શબ્દ હાથ આવ્યો. મૌલાના ભાષણ કરતા હતા ને મને થયા કરતું હતું કે, તે પોતે ઘણી બાબતમાં જે સરકારને સાથ દઈ રહેલા છે તે સરકારના વિરોધની વાત કરે છે એ ફોગટ છે. તલવારથી વિરોધ નથી કરવો એટલે સાથ ન દેવામાં જ ખરો વિરોધ છે એમ મને લાગ્યું, ને મેં 'નૉન-કોઑપરેશન' શબ્દનો પહેલો ઉપયોગ આ સભામાં કર્યો. મારા ભાષણમાં મેં તેના સમર્થનમાં મારી દલીલો આપી. આ વેળા એ શબ્દમાં શું શું સમાઈ શકે તેનું મને ભાન નહોતું. તેથી હું વિગતોમાં ન ઊતરી શક્યો. મેં તો આટલું કહ્યું એમ યાદ છે:

'મુસલમાન ભાઈઓએ એક બીજો મહત્ત્વનો નિશ્ચય કર્યો છે. ઈશ્વર તેવું ન કરે, પણ કદાચ જો સુલેહની શરતો તેમની વિરુદ્ધ જાય, તો તેઓ સરકારને સહાયતા આપતા અટકશે. મને લાગે છે કે, આ પ્રજાનો હક છે. સરકારના ખિતાબો રાખવા કે સરકારી નોકરી કરવા આપણે બંધાયેલા નથી. જ્યારે સરકારને હાથે ખિલાફત જેવા મહા અગત્યના ધાર્મિક સવાલને વિષે આપણને નુકસાન પહોંચે, ત્યારે આપણે તેને સહાય કેમ કરીએ? તેથી ખિલાફતનો ચુકાદો આપણી વિરુદ્ધ જાય તો સહાય ન કરવાનો આપણને હક છે.'

પણ ત્યાર બાદ તે વસ્તુનો પ્રચાર થવાને ઘણા માસ વીત્યા. એ શબ્દ કેટલાક માસ લગી તો એ સભામાં જ દટાયેલો રહ્યો. એક માસ પછી અમૃતસરમાં મહાસભા મળી ત્યાં મેં સહકારના ઠરાવને ટેકો આપ્યો ત્યારે મેં તો એ જ આશા રાખેલી હતી કે, હિંદુમુસલમાનોને અસહકારનો અવસર ન આવે.