પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારા ઠરાવમાં ખિલાફત અને પંજાબના અન્યાય પૂરતી જ અસહકારની વાત હતી. શ્રી વિજયરાઘવાચાર્યને એમાં રસ ન આવ્યો, એ કહે: 'જો અસહકાર કરવો તો અમુક અન્યાયને સારુ જ શો? સ્વરાજ્યનો અભાવ એ મોટામાં મોટો અન્યાય છે, ને તેને સારુ અસહકાર થાય.' મોતીલાલજીને પણ એ દાખલ કરવું હતું. મેં તરત જ સૂચનાનો સ્વીકાર કર્યો, ને સ્વરાજ્યની માગણી પણ ઠરાવમાં દાખલ કરી. વિસ્તારપૂર્વક ગંભીર ને કંઈક તીખી ચર્ચાઓ પછી અસહકારનો ઠરાવ પસાર થયો.

મોતીલાલજી તેમાં પ્રથમ જોડાયા. મારી સાથેની તેમની મીઠી ચર્ચા મને હજુ યાદ છે. કંઈક શબ્દફેરની તેમણે સૂચના કરેલી તે મેં સ્વીકારી. દેશબંધુને મનાવવાનું બીડું તેમણે ઝડપ્યું હતું. દેશબંધુનું હ્રદય અસહકાર તરફ હતું, પણ તેમની બુદ્ધિ એમ સૂચવતી હતી કે અસહકારને પ્રજા નહીં ઝીલે. દેશબંધુ અને લાલાજી અસહકારમાં પૂરા તો નાગપુરમાં આવ્યા. આ ખાસ બેઠક વેળા મને લોકમાન્યની ગેરહાજરી બહુ દ્:ખદાયક થઈ પડી હતી. મારો અભિપ્રાય આજ લગી એવો છે કે તેઓ જીવતા હોત તો કલકત્તાના પ્રસંગને વધાવી લેત. પણ તેમ ન થાત ને તેઓ વિરોધ કરત તોયે તે મને ગમત. હું એમાંથી શીખત. તેમની સાથે મારે મતભેદો હમેશાં રહેતી, પણ તે બધા મીઠા હતા. અમારી વચ્ચે નિકટ સંબંધ હતો એમ મને તેમણે હમેશાં માનવા દીધું હતું. આ લખતી વેળા જ તેમના અવસાનનો ટેલિફોન મારા સાથી પટવર્ધને કર્યો હતો. તે જ વખતે મેં સાથીઓની પાસે ઉદ્ગાર કાઢેલા: 'મારી પાસે ભારે ઓથ હતી તે તૂટી પડી.' આ વેળા અસહકારનું આંદોલન પુરજોરથી ચાલી રહ્યું હતું. તેમની પાસેથી હૂંફ મેળવવાની હું આશા રાખતો હતો. છેવટે જ્યારે અસહકાર પૂરો મૂર્તિમંત થયો ત્યારે તેઓ કયું વલણ લેત એ તો દૈવ જાણે, પણ એટલું હું જાણું છું કે પ્રજાના ઇતિહાસની આ ભારે ઘડીને વખતે સહુને તેમની હાજરીનો અભાવ સાલતો હતો.