પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતો. અબ્બાસ સાહેબ પ્રમુખ હતા અને તેમનું વલણ અસહકારના ઠરાવ તરફ જ ઢળતું હતું.

મહાસમિતિએ આ પ્રશ્નનો વિચાર કરવા મહાસભાની ખાસ બેઠક કલકત્તામાં ૧૯૨૦ના સપ્ટેમ્બર માસમાં ભરવાનો વિચાર કર્યો. તૈયારીઓ બહુ મોટા પ્રમાણમાં થઈ. લાલા લજપતરાય પ્રમુખ ચૂંટાયા હતા. ખિલાફત સ્પેશિયલ ને કૉંગ્રેસ સ્પેશિયલ મુંબઈથી છૂટી. સભ્યોનો ને પ્રેક્ષકોનો બહુ મોટો સમુદાય એકઠો થયો.

મૌલાના શૌકતાલીની માગણીથી મેં અસહકારના ઠરાવનો મુસદ્દો રેલગાડીમાં તૈયાર કર્યો. આજ લગી મારા મુસદ્દાઓમાં 'શાંતિમય' શબ્દ ઘણે ભાગે નહોતો આવતો. હું મારા ભાષણોમાં એ શબ્દનો ઉપયોગ કરતો. કેવળ મુસલમાન ભાઈઓની સભાઓમાં 'શાંતિમય શબ્દથી મારે સમજાવવાનું હું સમજાવી નહોતો શકતો. તેથી મૌલાના અબુલ કલામ આઝાદ પાસેથી મેં બીજો શબ્દ માગ્યો: તેમણે 'બાઅમન' શબ્દ આપ્યો, અને અસહકારને સારુ 'તકે મવાલાત' શબ્દ આપ્યો.

આમ હજુ ગુજરાતીમાં, હિંદીમાં, હિંદુસ્તાનીમાં અસહકારની ભાષા મારા મગજમાં ઘડાઈ રહી હતી તેવામાં મહાસભાને સારુ ઠરાવ ઘડવાનું ઉપર પ્રમાણે મારે હાથે આવ્યું. તેમાંથી 'શાંતિમય' શબ્દ રહી ગયો. મેં ઠરાવ ઘડીને ટ્રેનમાં જ મૌલાના શૌકતાલીને આપી દીધો. મને રાતના સૂઝ્યું કે મુખ્ય શબ્દ 'શાંતિમય' તો રહી ગયો છે. મેં મહાદેવને દોડાવ્યા અને કહેવડાવ્યું કે 'શાંતિમય' શબ્દ છાપવામાં ઉમેરે. મને એવો ખ્યાલ છે કે એ શબ્દ ઉમેરાય તે પહેલાં ઠરાવ છપાઈ ગયો હતો. વિષયવિચારિણી સભા તે જ રાત્રે હતી, એટલે તેમાં તે શબ્દ પાછળથી મારે ઉમેરાવવો પડ્યો હતો. મેં જોયું કે જો હું ઠરાવ લઈને તૈયાર ન થયો હોત તો બહુ મુશ્કેલી પડત.

મારી સ્થિતિ દયાજનક હતી. કોણ સામે થશે ને કોણ ઠરાવ પસંદ કરશે એની મને ખબર નહોતી. લાલાજીના વલણ વિશે હું કશું જ જાણતો નહોતો. રીઢા થઈ ગયેલા યોદ્ધાઓ કલકત્તામાં હાજર થયા હતા. વિદુષી એની બેસંટ, પંડિત માલવીયજી, વિજયરાઘવાચાર્ય, પંડિત મોતીલાલજી, દેશબંધુ, વગેરે તેઓમાં હતાં.