પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૪૨. અસહકારનો પ્રવાહ

ખાદીની પ્રગતિ હવે પછી કેમ થઈ એનું વર્ણન આ પ્રકરણોમાં ન આપી શકાય. તે તે વસ્તુઓ પ્રજાની આગળ કેમ આવી એટલું બતાવ્યા પછી તેના ઇતિહાસમાં ઉતરવાનું આ પ્રકરણોનું ક્ષેત્ર નથી. ઊતરવા જતાં તે વિષયોનું પુસ્તક થઈ પડે. સત્યની શોધ કરતાં વસ્તુઓ મારા જીવનમાં એક પછી એક અનાયાસે કેમ આવી રહી એટલું જ બતાવવાનો અહીં આશય છે.

એટલે હવે અસહકારને વિશે થોડું કહેવાનો સમય આવ્યો ગણાય. ખિલાફતની બાબત અલીભાઈઓનું જબરજસ્ત આંદોલન ચાલી જ રહ્યું હતું. મરહૂમ મૌલાના અબદિલ બારી વગેરે ઉલેમાઓની સાથે આ વિષયમાં ખૂબ ચર્ચા થઈ. મુસલમાન શાંતિને, અહિંસાને ક્યાં લગી પાળી શકે એ વિશે વિવેચનો થયાં; ને છેવટે નક્કી થયું કે અમુક હદ લગી યુક્તિ તરીકે તેને પાળવામાં બાધ હોય નહીં, અને એક વાર અહિંસાની પ્રતિજ્ઞા કરી હોય તો તે પાળવા તે બંધાયેલ છે. છેવટે અસહકારનો ઠરાવ ખિલાફત પરિષદમાં મુકાયો, ને તે ઘણી ચર્ચાઓ પછી પસાર થયો. મને યાદ છે કે અલ્લાહાબાદમાં એક વખત આને સારુ આખી રાત લગી સભા ચાલી હતી. હકીમ સાહેબને શાંતિમય અસહકારની શક્યતા વિશે શંકા હતી. પણ તેમની શંકા દૂર થયા પછી તેઓ તેમાં ભળ્યા, ને તેમની મદદ અમૂલ્ય થઈ પડી.

ત્યારબાદ ગુજરાતમાં પરિષદ થઈ તેમાં હું અસહકારનો ઠરાવ લાવ્યો. તેમાં વિરોધ કરનારની પ્રથમ એ દલીલ હતી કે જ્યાં લગી મહાસભા અસહકારનો ઠરાવ ન કરે ત્યાં લગી પ્રાંતિક પરિષદોને ઠરાવ કરવાનો અધિકાર નહોતો. મેં સૂચવ્યું કે પ્રાંતિક પરિષદો પાછું પગલું ન હઠી શકે. આગળ પગલાં ભરવાનો બધી પેટા સંસ્થાઓને અધિકાર છે, એટલું જ નહીં પણ તેમને હિંમત હોય તો તેમનો ધર્મ છે. તેમાં મુખ્ય સંસ્થાનું ભૂષણ વધે છે. ગુણદોષ ઉપર પણ સારી ને મીઠી ચર્ચા થઈ. મતો ગણાયા, ને મોટી બહુમતીથી અસહકારનો ઠરાવ પસાર થયો. આ ઠરાવ પસાર કરવામાં અબ્બાસ તૈયબજી તથા વલ્લભભાઈનો મોટો ફાળો